
સેલવાસ, 22 જુલાઈ (હિ.સ.) દાદરા ચેકપોસ્ટ નજીક આવેલા એક ઢાબા પર કથિત રીતે દારૂનું વેચાણ થતું હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે આબકારી વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક બે કોન્સ્ટેબલને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. ટીમે ઢાબા પરથી દારૂનો જથ્થો જપ્ત કરી આબકારી વિભાગની કચેરી ખાતે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આબકારી વિભાગની ટીમના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા દારૂની અંદાજિત કિંમત આશરે રૂ. 50 હજાર હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ, એક મીડિયા ટીમ દાદરા ચેકપોસ્ટ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે રસ્તાની બાજુમાં આવેલા એક ઢાબા પર કેટલાક લોકો બીયરનું સેવન કરતા જોવા મળ્યા હતા. ટીમ ઢાબા તરફ આગળ વધતા ત્યાં દારૂ અને બીયરનો જથ્થો જોવા મળ્યો હતો. મીડિયા ટીમને જોઈ સ્થળ પર અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો અને દારૂ તથા બીયરની પેટીઓ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે.ઘટનાની જાણ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન તેમજ આબકારી વિભાગના અધિકારી રેહાનને કરવામાં આવી હતી. જાણ થતાં તેમણે બે કોન્સ્ટેબલને સ્થળ પર મોકલ્યા હતા. આબકારી વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને તેને વિભાગની કચેરી ખાતે લઈ જઈ જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે આબકારી વિભાગનો સંપર્ક કરવામાં આવતા વિભાગ દ્વારા તાત્કાલિક બે કોન્સ્ટેબલને સ્થળ પર મોકલી કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થળ પરથી મળેલો દારૂનો જથ્થો જપ્ત કરીને આબકારી વિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. આબકારી વિભાગની ટીમના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા દારૂની અંદાજિત કિંમત આશરે રૂ. 50 હજાર હતી.ઢાબા સંચાલકે પોતાની પાસે ફૂડ લાઇસન્સ હોવાનું જણાવ્યું હતું. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જો ઢાબા પાસે ખાણીપીણી સંબંધિત લાઇસન્સ હોય તો ત્યાં દારૂનું વેચાણ કે સેવન કઈ પરવાનગી હેઠળ કરવામાં આવતું હતું?આ સમગ્ર મામલા બાદ દારૂની સપ્લાયને લઈને પણ સવાલો ઊભા થયા છે. જો દાદરા વિસ્તારમાં કોઈ અધિકૃત વાઇન શોપ નથી, તો ઢાબાઓ સુધી દારૂનો જથ્થો ક્યાંથી અને કેવી રીતે પહોંચી રહ્યો છે તેની તપાસ જરૂરી બની છે.સેલવાસ અને દાદરા વચ્ચે ગુજરાતનો વિસ્તાર પણ આવે છે અને માર્ગમાં ચેકપોસ્ટ તથા પોલીસની હાજરી રહે છે. ત્યારે દારૂ સેલવાસ કે અન્ય કોઈ વિસ્તારમાંથી દાદરા લાવવામાં આવ્યો હતો કે કેમ અને જો લાવવામાં આવ્યો હોય તો કયા માર્ગ અને કયા માધ્યમથી પહોંચ્યો—તે તપાસનો વિષય છે.સ્થાનિક સૂત્રોનો દાવો છે કે દાદરા વિસ્તારમાં અન્ય અનેક ઢાબાઓ પર પણ કથિત રીતે દારૂનું વેચાણ થતું હોવાની ચર્ચા છે. કેટલાક સૂત્રો આવા ઢાબાઓની સંખ્યા આશરે 25 જેટલી હોવાનું જણાવે છે.જોકે, આ દાવા અને સંખ્યાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જો તપાસમાં આ પ્રકારની પ્રવૃત્તિ અન્ય ઢાબાઓ પર પણ સામે આવે તો સમગ્ર વિસ્તારમાં તપાસનો વ્યાપ વધારવાની જરૂર પડી શકે છે.આ ઘટના બાદ દાદરા પંચાયત વિસ્તારમાં ચાલતા ઢાબાઓની જરૂરી પરવાનગીઓ, લાઇસન્સ અને નિયમોના પાલન અંગે પણ સવાલો ઊભા થયા છે.સંબંધિત ઢાબો કઈ પરવાનગીના આધારે ચાલતો હતો, તેની પાસે જરૂરી ફૂડ લાઇસન્સ અને અન્ય સ્થાનિક મંજૂરીઓ હતી કે નહીં તથા નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે કેમ—તેની તપાસ સંબંધિત વિભાગો દ્વારા થવી જરૂરી છે.જો દાદરા પંચાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં ઢાબાઓ કાર્યરત હોય તો તેમના લાઇસન્સ અને જરૂરી પરવાનગીઓની પણ ચકાસણી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.ઢાબા પર કથિત રીતે અસ્વચ્છ પરિસ્થિતિમાં ભોજન તૈયાર કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગેનો વીડિયો સંબંધિત ફૂડ વિભાગને મોકલવામાં આવ્યો છે, જેથી ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી શકાય.હવે આબકારી વિભાગ, પોલીસ, ફૂડ વિભાગ અને સંબંધિત સ્થાનિક તંત્ર દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર નજર રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha