
સુરત, 22 જુલાઈ (હિ.સ.) : સુરતમાં હત્યાના પ્રયાસના કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓને જાહેર રસ્તા પર સરઘસ કાઢી માર મારવાના આરોપોને લઈને તત્કાલીન ઝોન DCP રાજદીપસિંહ નકુમની મુશ્કેલીઓ વધી રહી છે. ગુજરાત હાઈકોર્ટે વકીલ ઉત્કર્ષ દવેની રજૂઆતને ધ્યાનમાં લઈને સુઓમોટો કાર્યવાહી શરૂ કરી છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે પોલીસ અધિકારીનું આ વર્તન સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા તેમજ બંધારણીય અધિકારોના સિદ્ધાંતો વિરુદ્ધ હોવાનું જણાય છે.
13 જુલાઈએ બનેલી ઘટનામાં આરોપીઓને જાહેરમાં વાળ પકડીને લાફા અને લાકડીઓથી માર મારવામાં આવ્યો હોવાના વીડિયો અને અહેવાલો સામે આવ્યા હતા. ઘટનાના સમયે મૂળ ઝોન DCP અન્ય ફરજ પર હોવાથી ચાર્જ રાજદીપસિંહ નકુમ પાસે હતો. આ કાર્યવાહી દરમિયાન SOGના કેટલાક કર્મચારીઓ પણ હાજર હોવાનું જણાવાયું છે, જેના કારણે સમગ્ર પોલીસ ટીમની ભૂમિકા પણ તપાસના દાયરામાં આવી શકે છે.
અરજીમાં ડી.કે. બાસુ અને પ્રકાશ સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાઓનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર પોલીસને છે, પરંતુ જાહેરમાં અપમાનિત કરવો અથવા શારીરિક સજા આપવાનો અધિકાર નથી. આ ઉપરાંત, ગુજરાત પોલીસના તત્કાલીન ઇન્ચાર્જ DGP દ્વારા જાહેરમાં સરઘસ કાઢવા અને મારપીટ કરવા પર મૂકાયેલા પ્રતિબંધનો પણ ભંગ થયો હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
હાઈકોર્ટના સુઓમોટો પગલાં બાદ હવે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. જો તપાસમાં નિયમોના ઉલ્લંઘનની પુષ્ટિ થશે તો સંબંધિત અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી, સસ્પેન્શન અથવા અન્ય કાનૂની પગલાં લેવામાં આવી શકે છે. આ કેસ પોલીસની કામગીરી અને માનવાધિકારોના પાલન અંગે મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે