
જામનગર, 22 જુલાઈ (હિ.સ.) :જામનગર શહેરના અન્નપૂર્ણા ચોકડી વિસ્તારમાં જમવાનું માંગવાની બાબતે થયેલી બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કરતાં એક મજૂરને ઇંટના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. આ અંગે મનસુખભાઈ ઉર્ફે મનુભાઈ નાથાભાઈ ચૌહાણ, રહે. લાલવા ડી શેરી નં. 1, અન્નપૂર્ણા માતાજીના મંદિર પાસે, જામનગરની ફરિયાદના આધારે પોલીસે સંજય ઉર્ફે કાલીયો ધરમશીભાઈ સોરઠીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, મનસુખભાઈ અન્નપૂર્ણા મંદિરના ગેટ સામે પોતાની રેકડી પર બેઠા હતા અને પોતાના ભાઈ રમેશભાઈની જમવા માટે રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન રાત્રે આશરે એક વાગ્યે વિસ્તારમાં રહેતો સંજય ઉર્ફે કાલીયો ધરમશીભાઈ સોરઠીયા ત્યાં આવી જમવાનું માંગ્યું હતું. મનસુખભાઈએ જમવાનું માત્ર બે ભાઈઓ પૂરતું હોવાનું કહી આપવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો.
આરોપીએ પહેલા ગાળો આપી ઝપાઝપી કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ નજીકમાંથી ઇંટ ઉપાડી મનસુખભાઈના મોઢા અને જમણી આંખ ઉપર તેમજ કપાળના ભાગે ત્રણથી ચાર ઘા ઝીંકતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. રસ્તે પસાર થતાં લોકોને આરોપીએ મનસુખભાઈ રસ્તા પર પડી ગયા હોવાનું કહી 108ને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા મનસુખભાઈને જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
જી.જી. હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે મનસુખભાઈના મોઢા અને કપાળના ભાગે ટાંકા લીધા હતા. બાદમાં પોલીસે હોસ્પિટલમાં પહોંચી તેમની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt