ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફટાકડાના લાઇસન્સધારક સ્ટોલ અને ગોડાઉનોમાં સઘન તપાસ ઝુંબેશ
ભાવનગર, 22 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લામાં જાહેર સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને સૂચના અનુસાર ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફટાકડાના કાયમી લાઇસન્સધારક સ્ટોલ તેમજ ગોડાઉનોમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
તપાસ કરતા અધિકારી


ભાવનગર, 22 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લામાં જાહેર સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને સૂચના અનુસાર ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફટાકડાના કાયમી લાઇસન્સધારક સ્ટોલ તેમજ ગોડાઉનોમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ભાવનગર એસ.ડી.એમ. તેમજ શહેર અને ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન અધિકારીઓએ લાઇસન્સધારકો પાસે ફાયર સેફ્ટી માટે જરૂરી સાધનો ઉપલબ્ધ છે કે નહીં, ફાયર વિભાગની એન.ઓ.સી. માન્ય છે કે નહીં, સ્ટોક રજિસ્ટરની યોગ્ય રીતે નોંધ રાખવામાં આવે છે કે નહીં તેમજ મંજૂર ક્ષમતા કરતાં વધુ ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે કે નહીં તેની વિગતવાર ચકાસણી કરી હતી. ઉપરાંત ગોડાઉન અને સ્ટોલમાં સુરક્ષા ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની પણ સ્થળ પર તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જ્યાં ફાયર સેફ્ટીના નિયમોના પાલનમાં ખામી, જરૂરી દસ્તાવેજોની અછત અથવા ઓવરસ્ટોક જેવી અનિયમિતતાઓ જોવા મળી હતી, ત્યાં સંબંધિત લાઇસન્સધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે ગંભીર પ્રકારની બેદરકારી અથવા નિયમભંગના કિસ્સાઓ સામે આવ્યા ત્યાં નિયમો અનુસાર સંબંધિત દુકાન અથવા ગોડાઉનને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગ જેવી દુર્ઘટનાઓને અટકાવવા, ફટાકડાના સંગ્રહ અને વેચાણમાં સલામતીના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકોના જાનમાલની સુરક્ષા જળવાઈ રહે તે માટે આવી તપાસ ઝુંબેશ આગામી સમયમાં પણ નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે. વહીવટી તંત્રે તમામ લાઇસન્સધારકોને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ પણ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande