જામનગરની ડેન્ટલ કોલેજના રૂ. 1.36 કરોડના કૌભાંડમાં તપાસનીશ પોલીસ અધિકારીઓને 'શો કોઝ' નોટિસ
જામનગર, 22 જુલાઈ (હિ.સ.) : જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી થયેલા રૂ. 1.36 કરોડના ચેક કૌભાંડમાં જામનગર સેશન્સ કોર્ટે સૌથી મોટો અને કડક આદેશ આપ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે તપાસની દિશા પર ગંભીર સવાલો ઉઠાવીને આ
જામનગર કોર્ટ


જામનગર, 22 જુલાઈ (હિ.સ.) :

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી થયેલા રૂ. 1.36 કરોડના ચેક કૌભાંડમાં જામનગર સેશન્સ કોર્ટે સૌથી મોટો અને કડક આદેશ આપ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે તપાસની દિશા પર ગંભીર સવાલો ઉઠાવીને આ કેસના ત્રણ ઇન્વેસ્ટિગેટિંગ પોલીસ અધિકારીઓ ને 'શો કોઝ' (કારણ દર્શાવો) નોટિસ ફટકારી છે.

ખુલ્લી અદાલતમાં ત્રણેય પોલીસ અધિકારીઓનો ઉધડો લેતા વેધક સવાલ કર્યો હતો કે, જ્યારે આ કેસમાં કોલેજના ડીન સીધી રીતે એક્સ્ક્યુઝ (આરોપી/જવાબદાર) હોવા છતાં શા માટે તેમને આરોપી બનાવવાને બદલે તેમનો સતત બચાવ કરવામાં આવી રહ્યો છે? તપાસ એજન્સીની આ શંકાસ્પદ કામગીરી સામે લાલ આંખ કરતા કોર્ટે આગામી 27મી તારીખ સુધીમાં ત્રણેય અધિકારીઓને આ અંગેનો સ્પષ્ટ ખુલાસો કરવા આદેશ આપ્યો છે, જેનાથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ સમગ્ર મામલાની વિગતો તપાસીએ તો, રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી કુલ ૧૫ ચેકો દ્વારા રૂ. 1,36,19,350 જેટલી માતબર રકમ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જોકે, એફએસએલ ના રિપોર્ટમાં એ મોટો ઘટસ્ફોટ થયો છે કે માત્ર બે જ ચેકમાં સહી જોવાની ગડબડ છે, જ્યારે બાકીના 13 ચેક પર તો કોલેજના ડીનની પોતાની જ અસલ સહીઓ રહેલી છે.

બચાવ પક્ષના વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર શોભિત ગર્ગ માત્ર એક કરાર આધારિત કર્મચારી છે અને તેને કોઈ પણ પ્રકારની નાણાકીય સત્તા કે ચેક પર સહી કરવાનો અધિકાર જ નથી. વધુમાં, બેંકના નિયમો મુજબ પાંચ લાખથી વધુની રકમના વ્યવહાર માટે 'પોઝિટિવ પે સિસ્ટમ' અને આર.ટી.જી.એસ. ફોર્મ ભરવા ફરજિયાત હોય છે, જેમાં પણ સત્તાવાર અધિકારી એટલે કે ડીનની જ સહીઓ આવશ્યક બને છે.

આમ છતાં, ડીનની સીધી સંડોવણી છુપાવીને માત્ર વહીવટી કામગીરી કરતા એક નાના કર્મચારીને બલિનો બકરો બનાવવાનું કાવતરું રચવામાં આવ્યું હોવાનું સ્પષ્ટપણે ફલિત થાય છે. આ કૌભાંડમાં ખોટી રીતે ફસાવી દેવા અંગે આરોપી શોભિત ગર્ગે પોતાની ધરપકડ થાય તે પહેલા જ જિલ્લા પોલીસ અધિક્ષક ને એક લેખિત અરજી આપી હતી.

આ પત્રમાં તેણે ચોખવટ કરી હતી કે તેણે ડીનની સૂચના અને આદેશ મુજબ જ બેંકના કામકાજો કર્યા હતા અને ડીનની સહીવાળા ચેકો જમા કરાવ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, ડીન દ્વારા શોભિતને રૂબરૂ બોલાવીને આ સમગ્ર ગુનાનો દોષ પોતાના માથે લઈ લેવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું અને જો તે કબૂલાત નહીં કરે તો તેને પોલીસના હવાલે કરી દેવાની અને તેના ભવિષ્યને નુકસાન પહોંચાડવાની સીધી ધમકીઓ પણ આપવામાં આવી હતી.

આમ, ધરપકડ પૂર્વે અપાયેલી આ રક્ષણ અંગેની અરજી અને બેંકના નક્કર દસ્તાવેજી પુરાવાઓ તપાસ એજન્સી પાસે હોવા છતાં, પોલીસે ડીન સામે પગલાં લેવાને બદલે તેમને ક્લીનચીટ આપવાનો પ્રયાસ કરતા હવે સેશન્સ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે અને 27મી સુધીમાં જવાબ માંગતા જવાબદાર અધિકારીઓએ ખુલાસો આપવો પડશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande