
જામનગર, 22 જુલાઈ (હિ.સ.) :
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં એક દુઃખદ અકસ્માતમાં 75 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. પોતાના પુત્રની બાઇક પર પાછળ બેસીને આવેલા વૃદ્ધ બાઇક પરથી ઉતરતી વખતે પગ લપસતાં રોડ પર પટકાયા હતા. બાદમાં સારવાર માટે જામનગર લઈ જતાં તેમની તબિયત વધુ લથડતાં મૃત્યુ થયું હતું.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, ધ્રોલ તાલુકાના નથુ વડલા ગામના રહેવાસી વશરામભાઈ તરશીભાઈ ચાવડા (ઉ.વ. 75) પોતાના પુત્ર સાથે મોટરસાઇકલ પર ધ્રોલ શહેરમાં આવ્યા હતા. નગરપાલિકા કમલા નેહરુ બાગ નજીક બાઇક ઊભી રાખ્યા બાદ તેઓ નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે વૃદ્ધાવસ્થાના કારણે તેમનો પગ લપસ્યો હતો અને તેઓ રોડ પર પટકાયા હતા.
અકસ્માતમાં ઇજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે જામનગર લઈ જવામાં આવી રહ્યા હતા. દરમિયાન તેમની છાતીમાં ગભરામણ થતાં હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેમનું મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 હેઠળ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt