
જૂનાગઢ 22 જુલાઈ (હિ.સ.) ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં વાહકજન્ય (મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા) અને પાણીજન્ય (ઝાડા-ઉલ્ટી, કમળો, ટાઈફોઈડ) રોગોનો ફેલાવો અટકાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ડાભીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત તાલુકાના તમામ MPHW, MPHS, CHO, FHW અને આશા બહેનોની ટીમો દ્વારા ગામેગામ સર્વે અને આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી છે. ટીમ દ્વારા શાળાઓ, આંગણવાડીઓ, ભંગારના ડેલા, ટાયર પંચરની દુકાનો, નર્સરીઓ અને બાંધકામ સાઇટની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.
જેમાં શાળા-આંગણવાડી મુલાકાત કરી અને જાગૃતિ લાવવામાં આવી હતી. બાળકોને મચ્છરજન્ય રોગો કેવી રીતે ફેલાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બાળકોને સ્વચ્છતાના પાઠ, હાથ ધોવાની સાચી રીત (Hand washing steps) અને ચોમાસામાં ઉકાળેલું પાણી પીવા અંગે પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને ગપ્પી ફિશ નિદર્શન , મચ્છરોના ઉપદ્રવને કુદરતી રીતે રોકવા માટે, જ્યાં પાણીના સંગ્રહના પાત્રો હોય ત્યાં 'ગપ્પી ફિશ' (Guppy Fish) કેવી રીતે મદદરૂપ થાય છે તેનું નિદર્શન કરી લોકજાગૃતિ કરવામાં આવી હતી. રોગચાળાથી બચવાના ઉપાયો વિશે ગ્રામ્ય કક્ષાએ જૂથ ચર્ચા અને માહિતી આપવામાં આવી. આ સાથે, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ રોગચાળાની અટકાયત અંગેનો પ્રચાર-પ્રસાર કરી વધુમાં વધુ લોકો સુધી જાગૃતિ પહોંચાડવામાં આવી રહી છે. સાથે સાથે મુલાકાત દરમિયાન જ્યાં પણ મચ્છરોના પોરા (Larva) મળી આવ્યા હતા, ત્યાં તત્કાલ તેનો નાશ કરવામાં આવ્યો છે અને એબેટિંગની કામગીરી કરવામાં આવી છે.
લોકોને દર રવિવારે 'ડ્રાય ડે' (Dry Day) ઉજવવા અને ચોખ્ખા પાણીના સંગ્રહના વાસણો ઢાંકીને રાખવા અંગે સમજ આપવામાં આવી હતી. તેમાં જરૂરિયાત વાળા વિસ્તારમાં ક્લોરિન ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યું.આ કામગીરી થકી માળિયા હાટીના તાલુકામાં રોગચાળો ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગ સંપૂર્ણ તકેદારી રાખી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ