


કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) : આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ફરી એકવાર સુરક્ષાના મુદ્દે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. અગાઉ કોલેજના પ્રિન્સિપલ સાથે બનેલી હુમલા અને ધાકધમકીની ઘટનાએ સમગ્ર શૈક્ષણિક વર્તુળમાં ચિંતા ઊભી કરી હતી. હવે ફરીથી પ્રિન્સિપલને કેટલાક અસામાજિક તત્વો તરફથી ધમકી મળ્યાની ચર્ચા વચ્ચે તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને કોલેજ કેમ્પસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં અને શૈક્ષણિક વાતાવરણ અખંડિત રહે.
મળતી માહિતી અનુસાર, પ્રિન્સિપલ દ્વારા સુરક્ષાની માંગ સાથે રજૂઆત કરવામાં આવ્યા બાદ પોલીસ વિભાગે તાત્કાલિક પગલાં લીધા હતા. તેના અનુસંધાને કોલેજ પરિસરમાં પોલીસ કર્મચારીઓની સતત હાજરી સુનિશ્ચિત કરવામાં આવી છે. પોલીસની પેટ્રોલિંગ અને દેખરેખને કારણે કેમ્પસમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.
સુરક્ષા વ્યવસ્થાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફને નિર્ભય વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો છે. નિયમિત શૈક્ષણિક કામગીરી કોઈ વિક્ષેપ વિના ચાલુ રહે અને વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કોલેજના વર્ગખંડો, ઓફિસ વિસ્તાર અને મુખ્ય પ્રવેશદ્વાર સહિતના મહત્વના સ્થળોએ પોલીસની સતર્ક નજર રાખવામાં આવી રહી છે.
જાણકારોના જણાવ્યા મુજબ, પોલીસની કાર્યવાહીનો ઉદ્દેશ્ય સામાન્ય વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ઊભી કરવાનો નથી, પરંતુ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરતા અથવા કાયદો-વ્યવસ્થાને પડકારતા તત્વો સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવી છે. પરિણામે કોલેજમાં અભ્યાસનું વાતાવરણ યથાવત રહ્યું છે અને વિદ્યાર્થીઓ નિયમિત રીતે તેમના વર્ગોમાં હાજરી આપી રહ્યા છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં સલામત અને નિર્ભય વાતાવરણ જળવાઈ રહે તે સમાજના હિતમાં અત્યંત જરૂરી માનવામાં આવે છે. હાલ તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પોલીસની સતત દેખરેખ હેઠળ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું અને સમગ્ર કેમ્પસમાં શાંતિપૂર્ણ માહોલ હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરક્ષા વ્યવસ્થાના આ પગલાંથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફમાં પણ વિશ્વાસનું વાતાવરણ મજબૂત બન્યું હોવાનું માનવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar