



કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) : ભુજમાં સામાજિક સેવા અને માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડતા ક.વી.ઓ. જૈન મહાજન દ્વારા સંચાલિત 'મહાજનનું મામેરું' યોજના અંતર્ગત વધુ એક જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. યોજનાના અંતર્ગત આ 279મો લગ્નોત્સવ હતો, જેમાં નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામના સ્વર્ગસ્થ કાનજીભાઈ ગરવાની પુત્રી મનીષાના લગ્ન ભુજના મોહનભાઈ ગરવાના પુત્ર મનિષ સાથે સાજન મહાજનની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસપૂર્વક સંપન્ન થયા. સમગ્ર પ્રસંગ દરમિયાન એવો માહોલ સર્જાયો હતો કે જાણે મહાજન પોતાના જ પરિવારની દીકરીના લગ્નનું આયોજન કરી રહ્યું હોય.
અનશનવ્રતધારી અને જૈન સમાજરત્ન સ્વ. તારાચંદભાઈ છેડાની પ્રેરણા તથા માર્ગદર્શન હેઠળ સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાની આગેવાનીમાં છેલ્લા પંદર વર્ષથી આ સેવા કાર્ય સતત ચાલી રહ્યું છે. આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા અને મધ્યમવર્ગીય પરિવારોને કોઈપણ જાતિ કે સમાજના ભેદભાવ વિના દીકરીના લગ્નમાં સહયોગ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં અનેક પરિવારોને લગ્નના વધતા ખર્ચમાંથી રાહત મળી છે, જેના કારણે આ યોજના સમાજમાં વિશ્વાસ અને સહકારનું પ્રતિક બની છે.
પ્રમુખ જીગરભાઈ છેડાએ જણાવ્યું હતું કે આજના સમયમાં દીકરીના લગ્ન સામાન્ય પરિવારો માટે મોટો આર્થિક પડકાર બની ગયા છે. આવી સ્થિતિમાં મહાજનનું મામેરું યોજના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તેમણે વધુમાં વધુ જરૂરિયાતમંદ પરિવારોને યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી તેમજ આ સેવાયજ્ઞમાં સતત સહયોગ આપતા તમામ દાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
લગ્ન પ્રસંગે વિવિધ દાતાઓએ નવવધૂને ઘરવખરી અને ઉપયોગી ભેટસોગાદ અર્પણ કરી હતી, જ્યારે સંસ્થા તરફથી રૂ. 11 હજારનું બોન્ડ પણ ભેટરૂપે આપવામાં આવ્યું હતું. પ્રસંગે મહાજનના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, સખીવૃંદના સભ્યો તથા મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી નવદંપતીને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર આયોજન સંસ્થાના કાર્યકરો અને કર્મયોગીઓએ સુવ્યવસ્થિત રીતે સંભાળ્યું હતું, જ્યારે વૈદિક વિધિઓ સાથે લગ્નવિધિ પૂર્ણ થતાં આ સેવા આધારિત પહેલ ફરી એકવાર સમાજ માટે પ્રેરણારૂપ બની હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar