'મિશન ફ્યુજીટીવ'ને મોટી સફળતા: 10 મહિનાથી ફરાર પ્રોહિબિશન કેસનો આરોપી રાજસ્થાનમાંથી ઝડપાયો
કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છ પોલીસે જિલ્લામાં ફરાર આરોપીઓ સામે હાથ ધરેલા ''મિશન ફ્યુજીટીવ'' અભિયાન હેઠળ વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગંભીર ગુનામાં છેલ્લા દસ મહિનાથી કાયદાની પકડથ
ગાંધીધામ પ્રોહીબિશન કેસનો આરોપી


કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છ પોલીસે જિલ્લામાં ફરાર આરોપીઓ સામે હાથ ધરેલા 'મિશન ફ્યુજીટીવ' અભિયાન હેઠળ વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગંભીર ગુનામાં છેલ્લા દસ મહિનાથી કાયદાની પકડથી દૂર રહેલો આરોપી આખરે રાજસ્થાનમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પૂર્વ કચ્છની સતર્કતા, ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ માનવ બાતમીના આધારે સફળ બની હતી.

એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. વાળાના નેતૃત્વમાં ટીમ સતત વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓ પર નજર રાખી રહી હતી. તપાસ દરમિયાન ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી અંગે મહત્વની માહિતી મળી હતી કે તે રાજસ્થાનમાં છુપાઈને રહે છે.

આ માહિતીના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીના હલનચલન પર સતત નજર રાખી હતી. પૂરતા પુરાવા અને માહિતી એકત્ર કર્યા બાદ એલસીબીની ટીમે રાજસ્થાન પહોંચી સફળ ઓપરેશન હાથ ધરી આરોપીને કાયદેસર રીતે ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા આરોપીની ઓળખ નરેન્દ્રસિંહ ઉર્ફે સાબુ ચિમનસિંહ ત્રિલોકસિંહ પવાર, રહેવાસી બોરેલા, બીલિયાવાસ, તાલુકો ભીમ, જિલ્લા રાજસમંદ (રાજસ્થાન) તરીકે થઈ છે. આરોપી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન સહિતના વિવિધ ગુનાઓમાં વોન્ટેડ હતો અને લાંબા સમયથી ફરાર હોવાથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ફરાર આરોપીઓ સામે શરૂ કરાયેલું 'મિશન ફ્યુજીટીવ' અભિયાન આગામી દિવસોમાં પણ યથાવત રહેશે અને કાયદાથી બચવાનો પ્રયાસ કરનાર કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande