



કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) : કચ્છના પ્રસિદ્ધ પર્યટન સ્થળ માંડવી દરિયા કિનારે તોફાની દરિયાઈ મોજાં અને ભારે પવનની હવામાન આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા બુધવારે સાવચેતીના ભાગરૂપે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતા. પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં સમગ્ર બીચને તાત્કાલિક અસરથી ખાલી કરાવવામાં આવ્યો હતો અને આગામી સૂચના સુધી મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
બીચ પર મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ કોઈપણ જોખમનો ભોગ ન બને તે માટે પ્રવેશદ્વાર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાથે જ બેરિકેડ્સ ઉભા કરી દરિયા કિનારે જવાના તમામ માર્ગો પર દેખરેખ વધારવામાં આવી હતી. પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓએ સ્થળ પર હાજર રહી લોકોને દરિયાની નજીક ન જવા તેમજ સલામતી સંબંધિત સૂચનાઓનું પાલન કરવા સમજાવ્યા હતા. અનેક પ્રવાસીઓ બીચ પર પહોંચતા તેમને પરિસ્થિતિની જાણ કરી પરત મોકલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ ચેતવણી આપવામાં આવી હતી કે તા. 22 જુલાઈના રાત્રે 11:30 વાગ્યા સુધી કચ્છના લખપતથી કંડલા સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં ઊંચા અને તોફાની દરિયાઈ મોજાં ઉછળી શકે છે. આ પરિસ્થિતિ દરમિયાન દરિયામાં પ્રવેશ કરવો અથવા કિનારે વધુ સમય રોકાવું જોખમી સાબિત થઈ શકે છે. આ આગાહીને ગંભીરતાથી લઈ તંત્રે સમયસર પૂર્વ તૈયારી કરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સઘન કામગીરી હાથ ધરી હતી.
જિલ્લા વહીવટી તંત્રે માછીમારો, સ્થાનિક રહેવાસીઓ તેમજ બહારથી આવેલા પ્રવાસીઓને ખાસ અપીલ કરી છે કે તેઓ દરિયાકાંઠે જવાનું ટાળે, બાળકોને દરિયાની નજીક ન જવા દે અને માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખે. હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી બીચ પર પ્રતિબંધ યથાવત રહી શકે છે. તંત્રનું માનવું છે કે સમયસર અપનાવવામાં આવેલા આવા સાવચેતીના પગલાંથી જાનહાનિ અને દુર્ઘટનાઓ ટાળી શકાય છે, તેથી દરેક નાગરિકે જવાબદારીપૂર્વક સહકાર આપવો અત્યંત જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar