
કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) નખત્રાણા વિસ્તારમાં લાંબા સમયથી પૂરતો વરસાદ ન પડતાં જળસંકટની અસર હવે માત્ર માનવજીવન પૂરતી સીમિત રહી નથી, પરંતુ જળચર જીવો માટે પણ જીવલેણ બની રહી છે. નખત્રાણાના મુખ્ય તળાવમાં પાણીનું સ્તર સતત ઘટતાં હજારો માછલીઓ જીવના જોખમમાં મુકાઈ ગઈ હતી. ઓક્સિજનના અભાવે કેટલીક માછલીઓ મરી જવાની ઘટના સામે આવતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી હતી અને તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી હતી.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક કાઉન્સિલર ભાવિન ઠક્કર, હિરેન ભટ્ટ અને હાર્દિક સોની સહિતના સેવાભાવી આગેવાનો તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. તળાવની સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ કોઈ વિલંબ કર્યા વગર ચાર પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ અંદાજે 30 હજાર લિટર પાણી તળાવમાં છોડવામાં આવતા પાણીની સપાટીમાં વધારો થયો હતો અને માછલીઓને ફરી જીવવા માટે અનુકૂળ વાતાવરણ મળ્યું હતું. સમયસર લેવામાં આવેલા આ નિર્ણયથી અનેક જળચર જીવોના જીવ બચી ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
તાજેતરના સમયમાં વરસાદની અનિશ્ચિતતા અને ઘટતા જળસ્ત્રોતોના કારણે કચ્છના અનેક તળાવો અને જળાશયો સૂકાઈ રહ્યા છે. તેના સીધા પ્રભાવ હેઠળ જળચર જીવસૃષ્ટિ ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. આવા સંજોગોમાં માત્ર સરકારી તંત્ર જ નહીં પરંતુ સ્થાનિક નાગરિકો અને સમાજસેવકો પણ આગળ આવીને કુદરતી સંપત્તિ અને નિર્દોષ જીવોના સંરક્ષણ માટે જવાબદારી નિભાવી રહ્યા છે.
નખત્રાણામાં હાથ ધરાયેલી આ જીવદયા પ્રવૃત્તિએ સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો છે કે સંવેદના અને સમયસરના પ્રયાસોથી અનેક નિર્દોષ જીવોને નવું જીવન આપી શકાય છે. સ્થાનિકોએ પણ આ કામગીરીને બિરદાવી હતી અને વરસાદ ન આવે ત્યાં સુધી તળાવમાં પાણી જળવાઈ રહે તે માટે જરૂરી આયોજન કરવાની માંગ વ્યક્ત કરી હતી. પર્યાવરણ અને જીવસૃષ્ટિના સંરક્ષણ માટે સમાજ અને તંત્ર બંને મળીને કાર્ય કરે તો આવા અનેક જળાશયો અને તેમાં વસતા જીવોને બચાવી શકાય તેમ હોવાનું પણ લોકોનું માનવું છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar