
પાટણ, 22 જુલાઈ (હિ.સ.) : પાટણ નજીક રાજપુર-કતપુર રોડ પર અજાણ્યા શખ્સોએ વિવિધ પ્રકારની સીરપની બોટલો જાહેર રસ્તા પર ફેંકી દેતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ઘટનાને લઈને આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ દવાઓનો નિકાલ નિયમો મુજબ થવો જોઈએ, પરંતુ અહીં ખુલ્લેઆમ રસ્તા પર જથ્થો ફેંકી દેવામાં આવતા પર્યાવરણ અને જાહેર આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. આ દવાઓ પશુઓ અથવા બાળકોના સંપર્કમાં આવે તો અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
સ્થાનિકોએ સીરપનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણે ફેંક્યો તેની તપાસ માટે નજીકના CCTV કેમેરાની ચકાસણી કરવાની માંગ કરી છે. સાથે જ દવાઓની ગુણવત્તા અને તેમાં કોઈ પ્રતિબંધિત કે નશાકારક તત્વો છે કે નહીં તેની તપાસ કરીને દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ