
મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) : મહેસાણા લોકસભા ક્ષેત્રના સાંસદ હરિભાઈ પટેલે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે રૂબરૂ મુલાકાત કરીને મહેસાણા તથા ઉત્તર ગુજરાતના ખેડૂતોના હિતને લગતી ચાર મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી. આ દરમિયાન કૃષિ ક્ષેત્રમાં મૂલ્યવર્ધન, ખેડૂતોની આવકમાં વધારો, કૃષિ આધારિત ઉદ્યોગોના વિકાસ અને નિકાસને પ્રોત્સાહન જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય દિવેલા (કાસ્ટર) વિકાસ બોર્ડની સ્થાપના તેમજ દિવેલા જેવા બિન-ખાદ્ય તેલીબિયાં પાક માટે અલગ વિકાસ બોર્ડની રચના કરવાની માંગ કરી હતી. ઉપરાંત મહેસાણા APMCની રજૂઆતને આધારે એરંડાના પાક માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે **લઘુત્તમ ટેકાના ભાવ (MSP)**માં વધારો કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત દેશના અગ્રણી મસાલા બજાર તરીકે ઓળખાતી ઊંઝા APMC ખાતે વિશ્વસ્તરીય સ્પાઈસ પાર્ક સ્થાપવાની માંગ કરવામાં આવી હતી. જેમાં ક્લીનિંગ, ગ્રેડિંગ, પ્રોસેસિંગ, પેકિંગ, સ્ટોરેજ, ગુણવત્તા પરીક્ષણ લેબોરેટરી, ટ્રેડ સેન્ટર અને નિકાસલક્ષી આધુનિક સુવિધાઓ ઉભી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અમલમાં આવશે તો ખેડૂતોને સીધા નિકાસકારો સુધી પહોંચવાની તક મળશે તેમજ કૃષિ આધારિત ઉદ્યોગોને નવી ગતિ મળશે.
સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ચારેય રજૂઆતોનો હકારાત્મક નિર્ણય લેવાશે તો મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતોને સીધો લાભ મળશે. કૃષિ ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન વધશે, રોજગારીની નવી તકો ઊભી થશે, નિકાસમાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની સાથે ઉત્તર ગુજરાતના કૃષિ વિકાસને નવી દિશા મળશે. તેમણે કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં હકારાત્મક નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR