
મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઉનાવા ચોકડી ખાતે સતત વધી રહેલા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈવે પર આધુનિક છ માર્ગીય વ્હીકલ અન્ડરપાસ (VUP) બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. એસ.એચ. 41 પર કિ.મી. 92/200 થી 93/000 અને 93/860 થી 94/500 વચ્ચે નિર્માણ પામનારી આ સુવિધાથી ટ્રાફિક વ્યવસ્થા વધુ સુરક્ષિત, ઝડપી અને સુવ્યવસ્થિત બનવાની અપેક્ષા છે.
હાલમાં ઉનાવા ચોકડી પર ભારે વાહનવ્યવહારને કારણે વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે, જેના કારણે મુસાફરોને સમયનો વ્યય સહન કરવો પડે છે અને અકસ્માતની સંભાવના પણ વધી જાય છે. નવા છ માર્ગીય અન્ડરપાસના નિર્માણ બાદ મુખ્ય માર્ગ પર વાહનોનો પ્રવાહ અવરોધ વિના ચાલુ રહેશે, ટ્રાફિકનું અસરકારક વિભાજન થશે અને અકસ્માતોની શક્યતા ઘટશે. આ પ્રોજેક્ટથી અમદાવાદ, મહેસાણા, પાલનપુર તેમજ રાજસ્થાન તરફ જતા વાહનચાલકોને સરળ અને ઝડપી મુસાફરીનો લાભ મળશે.
ઉનાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો, ઔદ્યોગિક એકમો અને કૃષિ ક્ષેત્રને પણ આ માર્ગ સુવિધાનો સીધો લાભ મળશે. કૃષિ પેદાશોના પરિવહનમાં સરળતા આવતાં સ્થાનિક વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે. રાજ્ય સરકારના આધુનિક માર્ગ માળખાના વિકાસના વિઝન હેઠળ અમલમાં મૂકાયેલા આ પ્રોજેક્ટથી લાંબા ગાળે સામાન્ય નાગરિકો, વેપારીઓ અને વાહનચાલકોને મોટી રાહત મળશે તેમજ સમગ્ર વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR