સંસદમાં હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત, વિપક્ષનો 'બ્લેક ડે' (કાળા દિવસ) વિરોધ પ્રદર્શન
નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે નીટ પ્રશ્નપત્ર લીક, જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય સાંસદો સાથે થયેલી અથડામણના મુદ્દે, વિપક્ષે બંને ગૃહોમાં જોરદાર હોબાળો કર
સંસદ


નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે નીટ પ્રશ્નપત્ર લીક, જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય સાંસદો સાથે થયેલી અથડામણના મુદ્દે, વિપક્ષે બંને ગૃહોમાં જોરદાર હોબાળો કર્યો. એકવાર સ્થગિત થયા પછી 12 વાગ્યે કાર્યવાહી ફરી શરૂ થઈ, પરંતુ વિપક્ષનો વિરોધ ચાલુ રહ્યો અને અંતે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 02 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી.

લોકસભામાં કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે કહ્યું કે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે, સરકાર સંવેદનહીન વલણ અપનાવી રહી છે અને વિપક્ષની માંગણીઓને અવગણી રહી છે. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ જવાબ આપ્યો કે, સરકાર નીટ પેપર લીક મામલે ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને યુવાનોના ભવિષ્ય પર સાર્થક ચર્ચા ઈચ્છે છે.

સત્ર શરૂ થતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને, ઇન્ડિયા બ્લોકના ફ્લોર લીડર્સની બેઠક યોજાઈ હતી. આમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મહુઆ મોઇત્રા, મણિકમ ટાગોર સહિત ઘણા નેતાઓ સામેલ થયા હતા. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, વિપક્ષ વિદ્યાર્થીઓના મુદ્દે સરકાર પાસેથી જવાબદારી નક્કી કરવા માટે આક્રમક વલણ અપનાવશે.

આ દરમિયાન વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું અને તેને 'બ્લેક ડે' (કાળો દિવસ) ગણાવ્યો. કોંગ્રેસના સાંસદ સૈયદ નસીર હુસૈને કહ્યું કે, આ પ્રદર્શન વિદ્યાર્થીઓ અને સાંસદો વિરુદ્ધ પોલીસના ઉપયોગના વિરોધમાં છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે સરકાર પર એવું દબાણ છે કે તે મંત્રીને હટાવી શકતી નથી. તેમણે કહ્યું કે કાળો રંગ વિરોધ અને દુઃખનું પ્રતીક છે.

સંસદ ભવનની બહાર પ્રિયંકા ગાંધીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, દેશમાં લોકશાહી સુરક્ષિત નથી અને વિદ્યાર્થીઓના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. આ કોઈ સામાન્ય વિરોધ નથી, પરંતુ એક વાસ્તવિક સમસ્યા છે જેને દરેક વિદ્યાર્થી, વાલી અને શિક્ષક સમજે છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી રહી છે અને કોર્પોરેટ ગૃહોને ફાયદો પહોંચાડી રહી છે.

ટીએમસીના સાંસદ કીર્તિ આઝાદે કહ્યું કે, મોદી સરકારમાં અત્યાર સુધીમાં 152 પેપર લીક થયા છે, જે દેશના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે. તેમણે આરોપ લગાવ્યો કે, સરકાર યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે અને વિદ્યાર્થીઓ પર જે પ્રકારનો લાઠીચાર્જ થયો તે અંગ્રેજોના સમયમાં પણ થયો ન હતો. સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે, આ 'રામ રાજ્ય' નથી, જ્યાં વિદ્યાર્થીઓને મારવામાં આવે છે અને છોકરીઓના કપડાં ફાડવામાં આવે છે. તેમણે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી.

ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પર પત્રકારોના સવાલો પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, સરકાર યુવાનોનો અવાજ દબાવી રહી છે. તેમણે કહ્યું કે, જો વિદ્યાર્થીઓને સાંભળવામાં નહીં આવે તો કોનો અવાજ સાંભળવામાં આવશે. વિપક્ષી દળોએ કહ્યું કે, તેઓ વિદ્યાર્થીઓની સાથે ઊભા છે અને શિક્ષણ વ્યવસ્થામાં મોટા ફેરફારોની માંગ કરતા રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande