
ભાવનગર,22 જુલાઈ (હિ.સ.) મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા ભાવનગર જિલ્લા રોજગાર કચેરી ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રની અંદાજિત ત્રણ પ્રતિષ્ઠિત કંપનીઓએ વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી. મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની લાયકાત મુજબની નોકરી મેળવવા માટે ઇન્ટરવ્યૂ આપ્યા હતા.
ભરતીમેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી, ભાવનગર દ્વારા ઉપસ્થિત ઉમેદવારોને રાજ્ય સરકારના 'ગુજરાત પાક્ષિક', 'રોજગાર સમાચાર' તેમજ અન્ય માહિતીસભર પ્રકીર્ણ પ્રકાશનોનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રકાશનો દ્વારા ઉમેદવારોને સરકારની વિવિધ યોજનાઓ, કારકિર્દીની તકો અને લોકોપયોગી માહિતી સરળતાથી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના સિનીયર સબ એડિટર સુનિલ મકવાણાએ ઉમેદવારોને સંબોધતા જણાવ્યું હતું કે, 'ગુજરાત પાક્ષિક' રાજ્ય સરકારની વિકાસલક્ષી પ્રવૃત્તિઓ, જનકલ્યાણકારી યોજનાઓ અને વિવિધ વિભાગોની મહત્વપૂર્ણ માહિતીનું વિશ્વસનીય પ્રકાશન છે. જ્યારે 'રોજગાર સમાચાર' રોજગારની નવી તકો, ભરતીની જાહેરાતો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કારકિર્દી માર્ગદર્શન માટે યુવાનોને ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
તેમણે યુવાનોને માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત થતા આ પ્રકાશનોનો નિયમિત અભ્યાસ કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, યોગ્ય અને વિશ્વસનીય માહિતી જ સફળ કારકિર્દીનું પ્રથમ પગથિયું છે. ભરતીમેળા સાથે માહિતીપ્રદ પ્રકાશનોનું વિતરણ થવાથી ઉમેદવારોને રોજગારની તકો ઉપરાંત સરકારી યોજનાઓ અને વિકાસલક્ષી માહિતીનો પણ લાભ મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA