

- નવસારીની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર
નવસારી/અમદાવાદ,22 જુલાઇ (હિ.સ.) જરાતમાં આજે વરસાદનું જોર વધશે! નવસારી-વલસાડમાં રેડ એલર્ટ, સુરત સહિત 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર. છેલ્લાં 24 કલાક દરમિયાન રાજયમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં કપરાડામાં 16 ઈંચ તેમજ વલસાડમાં 11 અને ચીખલી અને વાંસદામાં 10 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાતાં ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્રે નવસારીની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે.
હવામાન વિભાગ દ્વારા આજે પણ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 22 જુલાઈએ નવસારી અને વલસાડમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. સુરત, ડાંગ, તાપી અને દમણ, દાદરા-નગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે.
પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સોમનાથ અને બોટાદમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
23 જુલાઈ દરમિયાન પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 24 જુલાઈ દરમિયાન પણ આવી જ સ્થિતિ રહેવાની આગાહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ