
પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : પોરબંદરમાં ગાંધી જન્મસ્થાનની પાછળ મકાનમાંથી સવા ત્રણ લાખના દાગીના રોકડની ચોરી થતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
પોરબંદરના ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિર પાછળ ગોપાલજીની હવેલી પાસે રહેતા મધુબેન પ્રકાશભાઈ ગોસીયા નામના 49વર્ષના મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોરબંદરની મચ્છીમાર્કેટમાં માછલા વહેંચીને ગુજરાન ચલાવે છે અને ત્યાં એકલા રહે છે. તેમના પતિ 2012ની સાલમાં મૃત્યુ પામ્યા હતા અને પુત્રી સાસરે છે. તેમની તબીયત ખરાબ રહેતી હોવાથી છેલ્લા પાંચ વર્ષથી નિયમિત રીતે ખારવાવાડમાં મીઠી મસ્જીદ પાસે રહેતા તેમના મોટાબહેન જસુબેનના ઘરે રાત્રે નવ વાગ્યા આસપાસ સુવા માટે જાય છે અને સવારે આઠેક વાગ્યે મચ્છીમાર્કેટમાં માછલા વહેચવા માટે જાય છે અને ત્રણેક વાગ્યે માછલા વહેચી લીધા બાદ જસુબેનના ઘરે જમીને ચાર વાગ્યા આસપસ પોતાના ઘરે આવે છે અને આ તેમની દૈનિક ક્રિયા છે.તા. 20 જુલાઈના રાત્રે સાડા આઠેક વાગ્યે ઘરને તાળુ મારીને બહેનના ઘરે ગયા હતા અને 21 જુલાઈએ બપોરે ઘરે આવ્યા ત્યારે તાળુ તુટેલુ હતુ જેથી મકાનમાં જોતા ઘરવખરીનો સામાન અને ડ્રેસીંગ કબાટ વેરવિખેર હતા. તેથી તાત્કાલિક તેના ભાઈ, પુત્રી, ભાણેજને ફોન કરીને બનાવની જાણ કરી હતી. તેઓ આવી ગયા બાદ ઘરમાં તપાસ કરતા મંદિરમાં એક બોકસમાં સોનાના દાગીના રાખેલા હતા જેમાં સાડા ત્રણ તોલાનો ગંગા-જમના હાર, પોણા તોલાની સોનાની લકી, એક તોલાની સોનાની ત્રણ વીટી, અડધા તોલાની બે જોડી કાનની બુટી, અઢી ગ્રામ સોનાની સર, આ બધા દાગીના મળી 50 હજાર રૂપિયા તોલાના ભાવે બનાવેલ ત્રણ લાખના દાગીના ચોરાઈ ગયા હતા તેમજ દરવાજા પાછળ મોટા પર્સમાં રાખેલ 10 હજાર રૂપિયા ચોરાઇ ગયા હતા.
મધુબેન ગોસીયા અને તેના પરિવારજનોએ ઉપરના રૂમમાં તપાસ કરતા કબાટના લોકરમાં રાખેલ 13000 રૂા. રોકડા અને 2000 રૂાના સિક્કા વગેરે ચોરાઇ ગયા હતા તેથી કુલ 3 લાખના દાગીના અને 25 હજારની રોકડ મળી સવા ત્રણ તોલાના સોનાના દાગીના કોઈ તસ્કરે ઘરમાં ઘુસીને ચોરી લેતા અંતે કીર્તિમંદિર પોલીસ મથક ખાતે રૂબરૂ આવીને અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya