

વડોદરા, 22 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. આજે વધુ એક ગંભીર અકસ્માતમાં રસ્તા પર ચાલીને જઈ રહેલી મહિલાને હાઇડ્રા વાહને અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. વડસર રોડથી માંજલપુર પોલીસ સ્ટેશન તરફ જતાં માર્ગ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, રસ્તા પર ચાલીને જઈ રહેલી એક મહિલાને પાછળથી આવી રહેલા હાઇડ્રા વાહને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બનતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે મહિલાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડી હતી.
અકસ્માતની જાણ થતાં માંજલપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને કારણે થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.
શહેરમાં સતત વધી રહેલા અકસ્માતોને પગલે માર્ગ સુરક્ષા અને ભારે વાહનોની બેદરકારી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. હવે પોલીસ તપાસ બાદ અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ