
ભાવનગર, 22 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રોહિસા ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર સર્જાયેલા ગંભીર અકસ્માતના CCTV દૃશ્યો સામે આવ્યા છે. આ દૃશ્યોમાં અંધારાના કારણે રસ્તા પર બેઠેલું રખડતું પશુ બાઇકચાલકને સમયસર દેખાયું ન હતું, જેના પરિણામે બાઇક સીધી પશુ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇકચાલક અને પાછળ બેઠેલો વ્યક્તિ રોડ પર ફંગોળાઈ ગયા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત સ્થળે સ્ટ્રીટલાઇટો લાંબા સમયથી બંધ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. હાઈવે પર પૂરતી લાઇટની વ્યવસ્થા ન હોવાથી રાત્રિના સમયે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત હાઈવે પર રખડતા પશુઓની સમસ્યા પણ સતત વધી રહી છે, જેના કારણે અગાઉ પણ નાના-મોટા અકસ્માતો સર્જાયા હોવાના સ્થાનિકોના આક્ષેપ છે.
અકસ્માતના CCTV દૃશ્યો સામે આવ્યા બાદ સ્થાનિક લોકો અને પીડિતોના પરિવારજનોએ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. હાઈવે પર નિયમિત પેટ્રોલિંગ, રખડતા પશુઓને દૂર કરવાની કામગીરી અને બંધ સ્ટ્રીટલાઇટો તાત્કાલિક કાર્યરત કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે સમયસર યોગ્ય પગલાં ભરવામાં આવે તો આવા અકસ્માતો અટકાવી શકાય.
આ ઘટનાએ ફરી એકવાર હાઈવે સલામતી અને જાળવણી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હવે સંબંધિત વિભાગો દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને હાઈવેને વધુ સુરક્ષિત બનાવવા માટે કયા પગલાં લેવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA