
- અંગત અદાવતમાં બોલાચાલી બાદ મર્ડર થયાની ચર્ચા
અમદાવાદ,22 જુલાઇ (હિ.સ.) અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બહેરામપુરામાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા,આરોપીની અટકાયત કરવામાં આવી.
બહેરામપુરાના સંતોષનગર ચાંદ શહીદની મસ્જિદની ગલી ખાતે હુસેન સૈયદ નામના યુવકની ધારદાર હથિયાર વડે કરપીણ હત્યા કરવામાં આવી છે. અંગત અદાવતમાં હુસેન સૈયદ નામના યુવકની ગઇકાલે મોડી રાત્રે સોહેલ પઠાણ નામના યુવકે હત્યા કરી છે.
દાણીલીમડા પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે હાલ આરોપીને રાઉન્ડ અપ કરીને તેની ધરપકડની કાર્યવાહી કરી છે. અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા છે જેને લઈને પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે.
ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે દાણીલીમડા વિસ્તારમાં સંતોષ નગર પાસે મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો છે. મૃતકનું નામ હુસેન સૈયદ છે અને આરોપી સોહેલ પઠાણ છે. આરોપી તેના સંબંધીના ઘરે જમવા માટે આવ્યો હતો ત્યારબાદ ઘરેથી નીકળ્યા અને બંને વચ્ચે જૂની અદાવતમાં બોલાચાલી થઈ હતી જેમાં હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી આરોપીને રાઉન્ડપ કરી લીધો છે અને ધરપકડની તજવીજ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ