
સુરત, 22 જુલાઈ (હિ.સ.) સુરતમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે VIP રોડ, ભીમરાડ, ખાટુશ્યામ મંદિર વિસ્તાર અને ભગવાન મહાવીર કોલેજ આસપાસના વિસ્તારોમાં ગંભીર જળબંબાકાર સર્જાયો હતો. પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને સ્થળ પર પહોંચી કામગીરીની સમીક્ષા કરી હતી. પાલિકાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપી શહેરી વિકાસ અને વધેલી વસ્તીને કારણે જૂની સ્ટોર્મ ડ્રેનેજ વ્યવસ્થા હવે પૂરતી સાબિત થઈ રહી નથી.
કમિશનરના જણાવ્યા મુજબ VIP રોડ માટે વર્ષો પહેલાં બનાવાયેલ ડ્રેનેજ નેટવર્ક તે સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ હાલના વરસાદી પાણીના વધેલા પ્રવાહ સામે તેની ક્ષમતા ઓછી પડી રહી છે. નજીકની ખાડીઓમાં પાણીનું સ્તર વધતા બેકવોટરની સ્થિતિ સર્જાય છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વધુ ક્ષમતા ધરાવતી નવી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
તાત્કાલિક રાહત માટે પાલિકાએ છેલ્લા કેટલાક દિવસથી હાઇ-પ્રેશર ફ્લશિંગ દ્વારા ડ્રેનેજ લાઇનમાંથી અવરોધ દૂર કર્યા છે. ઉપરાંત ભીમરાડ ખાડીમાં જમા થયેલો કચરો અને ઝાડઝંખરાની સફાઈ કરીને પાણીના નિકાલની ગતિ વધારવાના પ્રયાસો હાથ ધરાયા છે. હવામાન વિભાગના ભારે વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખીને તમામ ઝોનના અધિકારીઓ અને કર્મચારીઓને ફિલ્ડ પર તૈનાત રાખવામાં આવ્યા છે જેથી કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં ઝડપથી કામગીરી થઈ શકે.
આગામી સમયમાં VIP રોડ ઉપરાંત ઉધના, લિંબાયત અને મીઠી ખાડી જેવા સંવેદનશીલ વિસ્તારો માટે પણ અલગ આયોજન કરવામાં આવશે. ખાડીઓનું વિસ્તરણ, ઊંડાણ વધારવું, પ્રોટેક્શન વોલ અને નવી ડ્રેનેજ સિસ્ટમ જેવા વિકલ્પો પર નિષ્ણાતોની સલાહથી ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર થશે. પાલિકાનું માનવું છે કે આ લાંબા ગાળાના પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ ચોમાસા દરમિયાન શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે