જેસર તાલુકાના અયાવેજ ગામે પ્રાકૃતિક કૃષિ અંગે વૈજ્ઞાનિક ગોષ્ઠિ યોજાઈ
ભાવનગર, 22 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા જેસર તાલુકાના અયાવેજ ગામ ખાતે પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોને વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવા માટે કિસાન પ્રાકૃતિક મોડેલ ફાર્મ પર પ્રાકૃતિક ખેતી વિષયક વૈજ્ઞાનિક ગોષ્ઠિનું આયોજન
કૃષિ ગોસ્ટી કાર્યક્રમ યોજાયો


ભાવનગર, 22 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા જેસર તાલુકાના અયાવેજ ગામ ખાતે પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોને વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવા માટે કિસાન પ્રાકૃતિક મોડેલ ફાર્મ પર પ્રાકૃતિક ખેતી વિષયક વૈજ્ઞાનિક ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જેસર સહિત આસપાસના ગામોના મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

ગોષ્ઠિ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, જમીનની ઉર્વરતા જાળવવાની પદ્ધતિ, જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત જેવા પ્રાકૃતિક ઇનપુટ્સનો ઉપયોગ, રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વિકલ્પો તેમજ ઓછા ખર્ચે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત કરાવી વિવિધ પાકોમાં અપનાવવામાં આવેલી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું નિદર્શન પણ કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ફળ સંશોધન કેન્દ્ર, મહુવા (જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી)ના મુખ્ય વૈજ્ઞાનિક અને હેડ ડૉ. ગંભીરસિંહ વાળાએ પ્રાકૃતિક કૃષિના વૈજ્ઞાનિક પાસાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ જેસર આત્મા પ્રોજેક્ટના અજીતસિંહ ગોહિલ, મહુવા આત્મા પ્રોજેક્ટના સંજયભાઈ કવાડ અને ગ્રો ઈન્ડિગોના ટેરિટરી મેનેજર (કાર્બન ક્રેડિટ) જયેશભાઈ જાદવે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, કાર્બન ક્રેડિટની સંભાવનાઓ અને ટકાઉ કૃષિના લાભો વિશે માહિતગાર કર્યા હતા.

વક્તાઓએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે, જમીનની ફળદ્રુપતા વધે છે, પર્યાવરણનું સંરક્ષણ થાય છે અને ખેડૂતોને લાંબા ગાળે વધુ લાભ મળી શકે છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત ખેડૂતોએ પોતાના પ્રશ્નોના નિરાકરણ મેળવી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande