
વડોદરા , 23 જુલાઈ (હિ.સ.) જો તમે પણ રસ્તા પર મળતી પાણીપુરીના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. વડોદરાના રાવપુરા વિસ્તારમાં પાણીપુરી ખાધા બાદ ત્રણ મહિલાઓની તબિયત અચાનક બગડી હતી. ત્રણેય મહિલાઓ હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાને પગલે મહાનગરપાલિકાએ પાણીપુરીના નમૂના તપાસ માટે લેબમાં મોકલી વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં પાણીપુરી ખાધા બાદ ત્રણ મહિલાઓ ફૂડ પોઇઝનિંગનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ, પાણીપુરી ખાતા દરમિયાન જ ત્રણેય મહિલાઓની તબિયત બગડવા લાગી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે *સયાજી હોસ્પિટલ (SSG)*માં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
જાણવા મળ્યું છે કે, ત્રણેય મહિલાઓ SSG હોસ્પિટલમાં જ સ્ટાફ તરીકે ફરજ બજાવે છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે સંબંધિત પાણીપુરીના નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે.
મહિલાઓને ફૂડ પોઇઝનિંગ કયા કારણોસર થયું, તેમાં પાણી, મસાલા કે અન્ય ખાદ્ય સામગ્રી જવાબદાર છે કે કેમ, તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જ ફૂડ પોઇઝનિંગનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે અને જરૂરી હોય તો સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ