
જામનગર, 23 જુલાઈ (હિ.સ.) :
વિદેશમાં ભારત દેશ અને ભારતીય નાગરિકોની વધતી જતી પ્રતિષ્ઠાને લઈ વિશ્વ આખું ચોંક્યું છે ત્યારે ભારતીય ધ્વજ તિરંગાની કેટલી તાકાત છે તે ભૂતકાળમાં પણ અને વિકટ પરિસ્થિતિમાં જોવા મળ્યું છે. જેના લીધે ભારતીય નાગરિકો દેશ અને રાષ્ટ્ર ધ્વજ પ્રત્યે પોતાનો પ્રેમ જાહેર કરતા અચકાતા નથી ત્યારે હવે જામનગર શહેરમાં રહેતા એક યુવાન સોયબ સબ્બીરભાઈ લાખાએ ઇરાકના પવિત્ર શહેર કરબલામાં આવેલી ઇમામ હુસૈનની મઝારે જિયારત દરમિયાન ભારતીય તિરંગો લહેરાવી દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવનો અનોખો સંદેશ આપ્યો હતો.
આ પવિત્ર જિયારત દરમિયાન તેમણે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ પોતાના હાથમાં રાખીને દેશ પ્રત્યેનો પ્રેમ, સન્માન અને ગૌરવ વ્યક્ત કર્યો હતો. આમ શ્રદ્ધા, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનાં પ્રતિક તરીકે ઊભરી રહેલી આ યુવકની તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રશંસા પામી રહી છે તથા યુવકને આ સિદ્ધિ બદલ મિત્રો અને પરિવારજનો તરફથી ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે. તેમજ લોકોનું કહેવું છે કે આ પ્રસંગ માત્ર એક તસ્વીર નહીં પરંતુ દેશની તમામ જનતા માટે દેશપ્રેમ અને ધાર્મિક આસ્થાનો એક પ્રેરણાદાયક સંદેશ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt