
પાટણ, 23 જુલાઈ (હિ.સ.)રાધનપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે સમી તાલુકાના એક ગામમાં માસૂમ બાળકી સાથે અડપલાં કરવાનો પ્રયાસ કરનાર દિલીપભાઈ ઉર્ફે દિપો બચુભાઈ ઠાકોરને કસૂરવાર ઠેરવી 3 વર્ષની સખત કેદ અને રૂ. 5,000ના દંડની સજા ફટકારી છે.
આ ઘટના માર્ચ 2024માં બની હતી.
આરોપીએ બાળકીને દુકાનેથી વસ્તુ લાવવા મોકલી બાદ પોતાના ઘરે બોલાવી દુષ્કર્મના ઇરાદે અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકીની માતા અને ભાઈ સમયસર પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ એસ. કે. પટેલે અસરકારક દલીલો રજૂ કરી હતી.
કોર્ટે નોંધ્યું કે બાળકો સામેના આવા ગુનાઓ અત્યંત ગંભીર છે અને મોટા ભાગના કિસ્સાઓમાં ઓળખીતા અથવા નજીકના લોકો જ સંડોવાયેલા હોય છે. આવા ગુનાઓને કોઈપણ સંજોગોમાં હળવાશથી લઈ શકાય નહીં.
કોર્ટે આરોપીને IPC કલમ 363, 511 તથા પોક્સો એક્ટની કલમ 7 અને 8 હેઠળ દોષિત ઠેરવ્યો હતો. ઉપરાંત, ગુજરાત વિકટીમ કોમ્પન્સેશન સ્કીમ-2019 હેઠળ પીડિત બાળકીના પુનઃસ્થાપન માટે રૂ. 25,000નું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ