જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપ. સોસાયટીના ત્રણ ડિફોલ્ટર સભાસદોની અપીલ ફગાવાઈ
જામનગર, 23 જુલાઈ (હિ.સ.) : જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના ત્રણ ડિફોલ્ટર સભાસદો દ્વારા દાખલ કરાયેલી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ટ્રાયલ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલી જેલસજા તથા ચેકની રકમ મુજબના દંડના હુકમન
ચુકાદો


જામનગર, 23 જુલાઈ (હિ.સ.) : જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના ત્રણ ડિફોલ્ટર સભાસદો દ્વારા દાખલ કરાયેલી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ટ્રાયલ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલી જેલસજા તથા ચેકની રકમ મુજબના દંડના હુકમને યથાવત રાખ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સોસાયટીના સભાસદો જયદીપગર પ્રભાતગર ગોસાઈ, જયેશ વિઠ્ઠલભાઈ સોરઠીયા અને અજયસિંહ ઉદયસિંહ જાડેજાએ સોસાયટીમાંથી લોન મેળવી હતી. લોનની ભરપાઈ માટે તેમણે સોસાયટીને ચેક આપ્યા હતા. જોકે, સોસાયટી દ્વારા ચેક બેંકમાં રજૂ કરતાં તે પરત ફર્યા હતા. ત્યારબાદ સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટિસો પાઠવવામાં આવી હતી, પરંતુ તેમ છતાં આરોપીઓએ ચેકની રકમની ચુકવણી ન કરતાં તેમની સામે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ ટ્રાયલ કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી ચેકની રકમ મુજબ દંડ અને જેલસજાનો હુકમ કર્યો હતો. આ ચુકાદાને પડકારતી અપીલ આરોપીઓએ સેશન્સ કોર્ટમાં દાખલ કરી હતી.

સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટના રેકોર્ડ તથા સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદાઓનો અભ્યાસ કર્યા બાદ ટ્રાયલ કોર્ટનો નિર્ણય યથાવત રાખ્યો હતો. તે મુજબ, જયેશ વિઠ્ઠલભાઈ સોરઠીયાને એક કેસમાં રૂ. 2,49,005નો દંડ અને 6 માસની જેલસજા, જ્યારે બીજા કેસમાં રૂ. 58,552નો દંડ અને 4 માસની જેલસજા યથાવત રાખવામાં આવી છે.

ધ્રોલ તાલુકાના ખારવા ગામના જયદીપગર પ્રભાતગર ગોસાઈને રૂ. 41,276નો દંડ અને 6 માસની જેલસજા, જ્યારે નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અજયસિંહ ઉદયસિંહ જાડેજાને રૂ. 1,16,532નો દંડ તથા 4 માસની જેલસજાનો ટ્રાયલ કોર્ટનો હુકમ પણ સેશન્સ કોર્ટે યથાવત રાખ્યો છે.

આ સાથે ત્રણેય આરોપીઓની અપીલો સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande