



વડોદરા , 23 જુલાઈ (હિ.સ.)વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આજે ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. એક યુવકે પોતાના પરિવાર સાથે તાલુકા સેવા સદન ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે, લોકલ ક્રાઈમ બ્રાન્ચના બે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતી હતી. જોકે, સમયસર પહોંચેલી પોલીસે પરિવારને આત્મવિલોપન કરતા રોકી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાવલી તાલુકા સેવા સદન ખાતે આજે એક યુવક અને તેના પરિવાર દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવતા ભારે હડકંપ મચી ગયો હતો.
પરિવારજનોનો આક્ષેપ છે કે, લોકલ ક્રાઈમ બ્રાન્ચના ચિરાગ અને જીતુભા નામના બે કોન્સ્ટેબલ રાત્રિના સમયે તેમના ઘરે આવી પરિવારને હેરાનગતિ કરતા હતા. આ કારણે કંટાળીને તેમણે આ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હોવાનું પરિવારનું કહેવું છે.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવક તથા તેના પરિવારને આત્મવિલોપન કરતા અટકાવી સુરક્ષિત રીતે કસ્ટડીમાં લીધા હતા.
ત્યારબાદ સમગ્ર પરિવારને વધુ પૂછપરછ અને જરૂરી કાર્યવાહી માટે સાવલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
આ ઘટનાએ સમગ્ર સાવલી પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. જોકે, પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને તપાસ બાદ હકીકતો સ્પષ્ટ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ