
ભાવનગર,23 જુલાઈ (હિ.સ.)મહિલા અને બાળ વિકાસ વિભાગની આગવી પહેલ હેઠળ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના પાલડી ગામમાં બાલિકા પંચાયતના સભ્યો માટે સંવાદ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈસીડીએસ કચેરી, શિહોરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવાનો, આત્મવિશ્વાસ વધારવાનો તેમજ સમાજના વિકાસમાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયતની રચના, તેની કામગીરી અને ગ્રામ વિકાસમાં કિશોરીઓની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કિશોરીઓને આરોગ્ય, પોષણ, સ્વચ્છતા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને મહિલાઓ તથા કિશોરીઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ખુલ્લા સંવાદ સત્રમાં ઉપસ્થિત કિશોરીઓએ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના નિષ્ણાતો દ્વારા સંતોષકારક જવાબ આપી તેમની શંકાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના ભાગરૂપે બાલિકા પંચાયતના સભ્યોને પાલડી ગ્રામ પંચાયતની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. તલાટી-કમ-મંત્રીએ ગ્રામ પંચાયતની દૈનિક કામગીરી, ગ્રામસભાની પ્રક્રિયા, વિકાસલક્ષી યોજનાઓનું આયોજન તેમજ સ્થાનિક સ્વરાજ્ય વ્યવસ્થાની કાર્યપદ્ધતિ અંગે સરળ ભાષામાં માહિતી આપી હતી. આ મુલાકાતથી કિશોરીઓને ગ્રામ શાસનની વ્યવસ્થા નજીકથી સમજવાની અને લોકશાહી પ્રક્રિયા પ્રત્યે જાગૃત બનવાની ઉત્તમ તક મળી હતી.
કાર્યક્રમમાં સોનગઢ સેજાના ઇન્ચાર્જ સુપરવાઇઝર રીટાબેન શુકલ, સંકલ્પ હબ–એમ્પાવરમેન્ટ ઑફ વુમન યોજનાના સ્ટાફ, આંગણવાડી કાર્યકરો તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કિશોરીઓને આત્મનિર્ભર બની સમાજના વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA