
જામનગર, 23 જુલાઈ (હિ.સ.) : જામનગરના મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ જેલુ અને અન્ય બે પોલીસ કર્મચારીઓ સામે ગંભીર ગુનાઓમાં કેસ ચલાવવાનો લાલપુર કોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. ચાની કેબિન પર બેઠેલા વેપારી અને અન્ય એક વ્યક્તિનું અપહરણ કરી, પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે ગોંધી રાખી બેફામ માર મારવાના કેસમાં કોર્ટે કાયદાનો કોરડો વિંઝ્યો છે.
ફરિયાદ મુજબ, તા.૧૧ એપ્રિલ, ૨૦૧૬ની રાત્રે મોટી ખાવડી ગામના ભારમલ કરાભાઈ મોરી પોતાની ચાની કેબિન પર હાજર હતા. તે દરમિયાન મેઘપર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ જલુ, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ ધરણાત ડાડુભાઈ ચરણવડિયા ત્યાં પહોંચ્યા હતા. પોલીસકમીઓએ ફરિયાદી સાથે ગાળાગાળી કરી લાકડીઓ વડે માર માયી હતો. આ દરમિયાન છોડાવવા વચ્ચે પડેલા મહિપતસિંહ નાથુભા જાડેજાને પણ માર મારી, બંનેને પોલીસ જીપમાં બેસાડી મેઘપર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ સ્ટેશને લઈ ગયા બાદ પણ બંનેને બેફામ માર મારવામાં આવ્યો હતો અને ધમકી આપી મોડી રાત્રે છોડી મૂકવામાં આવ્યા હતા. બીજા દિવસે ઇજાગ્રસ્ત હાલતમાં ફરિયાદીને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતાં, જ્યાં તેમની એમએલસી નોંધાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા, આખરે પીડિતે એડવોકેટ નિખિલ બી. બુદ્ધભટ્ટીના માધ્યમથી લાલપુર કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરી હતી.
લાલપુરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ફરિયાદી, સાક્ષીઓ તેમજ જી.જી. હોસ્પિટલના ડાન્ક્ટરના મહત્વપૂર્ણ નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
પુરાવાઓને આધારે કોર્ટે તત્કાલીન પીએસઆઈ જલુ, કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ ધરણાત ડાડુભાઈ ચરણવડિયા સામે ભારતીય દંડ સંહિતા (ભ) ની કલમ ૩૨૩ (મારકૂટ), ૩૬૫ (અપહરણ), ૩૪૧ (ગેરકાયદેસર અટકાયત), ૫૦૪, ૫૦૬ (ધમકી) અને ૧૧૪ હેઠળ કેસ નોંધીને આરોપીઓને સમન્સ પાઠવવાનો હુકમ કયી છે. પોલીસ વિભાગમાં આ ચુકાદાને લઈને ભારે ચકચાર મચી ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt