બદલાતું હવામાન અને નાગરિક સુરક્ષા: ‘દામિની’ એપ બચાવશે અચાનક ત્રાટકતી વિજળીથી
- દામિની એપ લોકેશનના આધારે વીજળી પડવાના ૩૦ થી ૪૦ મિનિટ પહેલાં મોબાઈલ એલર્ટ દ્વારા કરે છે સચેત ગાંધીનગર, 23 જુલાઈ (હિ.સ.) : આજના આધુનિક યુગમાં બદલાતા હવામાન અને કુદરતી આફતો સામે સમયસર માહિતી મળવી અત્યંત જરૂરી બની ગઈ છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા ર
દામિની એપ્લિકેશન


- દામિની એપ લોકેશનના આધારે વીજળી પડવાના ૩૦ થી ૪૦ મિનિટ પહેલાં મોબાઈલ એલર્ટ દ્વારા કરે છે સચેત

ગાંધીનગર, 23 જુલાઈ (હિ.સ.) : આજના આધુનિક યુગમાં બદલાતા હવામાન અને કુદરતી આફતો સામે સમયસર માહિતી મળવી અત્યંત જરૂરી બની ગઈ છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવતી હોય, ત્યારે સામાન્ય નાગરિકોના રક્ષણ માટે ‘દામિની’ એપ્લિકેશન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨૪ કલાક દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ૩૦ થી ૪૦ કિમી/કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે ગાજવીજ અને વીજળી થવાની શક્યતા છે. આવા સમયે અચાનક થતા હવામાનના પલટા અને વીજળીના જોખમ સામે આગોતરી તૈયારી રાખવી ખૂબ જરૂરી છે. અચાનક ત્રાટકતી વિજળી સામે રક્ષણ આપે છે દામિની એપ.

પુણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિયોરોલોજી (IITM) અને ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વિકસાવવામાં આવેલી આ એપ વીજળી સંબંધિત આગોતરી ચેતવણી આપે છે.

દામિની એપ (Damini App)ની મુખ્ય વિશિષ્ટતાઓ:

આ એપ તમારા વિસ્તારના ૨૦ થી ૪૦ કિલોમીટરના વિસ્તારમાં થતી વીજળીની ગતિવિધિઓ દર્શાવે છે. તમારા લોકેશનના આધારે વીજળી પડવાના ૩૦ થી ૪૦ મિનિટ પહેલાં મોબાઈલમાં નોટિફિકેશન એલર્ટ મોકલે છે. આ સાથે વીજળી પડે ત્યારે સુરક્ષિત રહેવા શું કરવું અને શું ન કરવું તેની સ્પષ્ટ માર્ગદર્શિકા આપે છે. આ એપ ગુજરાતી સહિત અન્ય ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે.

એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સરળ રીત

1. તમારા સ્માર્ટફોનના Google Play Store અથવા Apple App Store પર જાઓ.

2. સર્ચ બારમાં Damini ટાઈપ કરો.

3. એપ ઈન્સ્ટોલ કર્યા બાદ તમારું GPS Location અને ગુજરાતી ભાષા પસંદ કરીને સેવાનો વિનામૂલ્યે લાભ લો.

હવામાનની અણધારી આફતો અને વીજળી પડવા જેવા જોખમો સામે રક્ષણ મેળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો સમજદારીભર્યું પગલું છે. દરેક નાગરિકો માટે પોતાના સ્માર્ટફોનમાં ‘દામિની’ એપ સુરક્ષા એલર્ટ તરીકે ઉપયોગી સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande