સખી મંડળ સાથે જોડાઈ આત્મનિર્ભર બન્યાં, મહુવાના ભાદ્રોડ ગામના દયાબેન સોલંકી
ભાવનગર, 23 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદ્રોડ ગામની દયાબેન સોલંકીએ સખી મંડળ સાથે જોડાઈ આત્મનિર્ભરતાની પ્રેરણાદાયી સફર શરૂ કરી છે. આજે તેઓ ઘરેથી જ વિવિધ હસ્તકલા અને ગૃહઉદ્યોગ આધારિત ઉત્પાદનો બનાવી દર વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ
મહિલા બન્યા આત્મનિર્ભર


ભાવનગર, 23 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદ્રોડ ગામની દયાબેન સોલંકીએ સખી મંડળ સાથે જોડાઈ આત્મનિર્ભરતાની પ્રેરણાદાયી સફર શરૂ કરી છે. આજે તેઓ ઘરેથી જ વિવિધ હસ્તકલા અને ગૃહઉદ્યોગ આધારિત ઉત્પાદનો બનાવી દર વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. સખી મંડળ દ્વારા મળેલી તાલીમ અને માર્ગદર્શનના કારણે તેઓ માત્ર પોતાના પરિવારને આર્થિક રીતે સશક્ત બનાવી રહ્યા નથી, પરંતુ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

દયાબેન અગાઉ ઘરકામ અને ખેતીકામમાં વ્યસ્ત રહેતા હતા. લગભગ એક વર્ષ પહેલાં તેમણે સખી મંડળમાં જોડાવાનો નિર્ણય કર્યો, જેના કારણે તેમના જીવનમાં મોટો બદલાવ આવ્યો. તાલીમ બાદ તેમણે દોરીમાંથી આકર્ષક ઝૂલા, ભરતગૂંથણ, મોતીકામ, ઘરના સુશોભન માટેના તોરણ, સાબુ, શેમ્પૂ તેમજ ઔષધીય માથાનું તેલ બનાવવાનું શરૂ કર્યું. દોરીના ઝૂલાની કિંમત રૂ. 7,000 સુધી અને તોરણની કિંમત રૂ. 5,000 સુધી હોય છે.

દયાબેન જણાવે છે કે, તેઓ તમામ વસ્તુઓ જાતે જ તૈયાર કરે છે અને સુરત, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાંથી ગ્રાહકો ફોન દ્વારા ઓર્ડર આપે છે. ઓર્ડર મુજબ ઉત્પાદનો તૈયાર કરીને મોકલવામાં આવે છે, જેના કારણે તેમને સારો પ્રતિસાદ અને નિયમિત આવક મળે છે.

આ વ્યવસાયથી દયાબેનને દર વર્ષે અંદાજે રૂ. 2.50 લાખથી રૂ. 3 લાખ સુધીની આવક થાય છે. તેઓ પોતાના ફુરસદના સમયનો સદુપયોગ કરીને ઉત્પાદન તૈયાર કરે છે, જેના કારણે અન્યત્ર કામ કરવા જવાની જરૂર રહેતી નથી. દયાબેનની સફળતા દર્શાવે છે કે, સખી મંડળો મહિલાઓને આત્મવિશ્વાસ, કૌશલ્ય અને આર્થિક સ્વાવલંબન તરફ આગળ વધારવાનું અસરકારક માધ્યમ બની રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande