


પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના લોકાભિમુખ નેતૃત્વ હેઠળ રાજ્યમાં નાગરિકોના પ્રશ્નોનો ત્વરિત, પારદર્શક અને અસરકારક નિકાલ થાય તે માટે સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમનું દર મહિને આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરએ અરજદારોની રજૂઆતો ધીરજપૂર્વક સાંભળી, દરેક અરજીની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત વિભાગોના અધિકારીઓને નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી હાથ ધરી અરજદારોના પ્રશ્નોનો નિયમ મુજબ સકારાત્મક ઉકેલ લાવવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં દબાણ,જમીન માપણી, એરિયર્સ,લઘુત્તમ વેતનદરનો લાભ, રસ્તા પરના દબાણો દૂર કરવા, મરણ દાખલા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોમાંથી 16 પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.
આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એ.ડી. મિયાત્રા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ, ડીવાયએસપી ઋતુબેન રાબા, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya