
જામનગર, 23 જુલાઈ (હિ.સ.) :
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ટ્રાફિક અને વાહનવ્યવહાર માટે સૌથી વધુ નડતરરૂપ બનેલા રણુજા ચોકડી વિસ્તારમાં આખરે નગરપાલિકાના તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. લાંબા સમયથી રસ્તા પર થયેલા દબાણો દૂર કરવા માટે મંગળવારથી વ્યાપક ડિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
નગરપાલિકા દ્વારા અગાઉથી જ આયોજનબદ્ધ રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રણુજા ચોકડી આસપાસ આવેલા ૧૯ કોમર્શિયલ તેમજ રહેણાંક મકાનો અને દુકાનોના માલિકોને અંતિમ નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ મળ્યા બાદ મિલકતધારકોએ પણ તંત્રને સહયોગ આપતા સ્વેચ્છાએ દબાણરૂપ ભાગો દૂર કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
ગઈકાલે આખો દિવસ દુકાનદારો અને મકાનમાલિકો પોતાના વેપાર-ધંધાનો સામાન, ઘરવખરી અને અન્ય ચીજવસ્તુઓ સલામત સ્થળે ખસેડવામાં વ્યસ્ત રહ્યા હતા, જેથી ડિમોલિશન દરમિયાન નુકસાન ટાળી શકાય.
કાલાવડ નગરપાલિકાના ચીફ ઓફિસર નિકુંજ વોરાએ જણાવ્યું હતું કે, અગાઉ આપવામાં આવેલી નોટિસ બાદ લોકોએ સ્વેચ્છાએ સામાન ખસેડી લીધો છે અને હવે નગરપાલિકાની ટીમ દ્વારા નિયમ મુજબ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવશે.
રણુજા ચોકડી શહેરનો અત્યંત વ્યસ્ત વિસ્તાર હોવાથી દબાણો દૂર થયા બાદ ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે અને સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકોને લાંબા સમયથી અનુભવાતી અવરજવર અને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt