



વડોદરા, 23 જુલાઈ (હિ.સ.) : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની વિશેષ ટીમને રાહત અને બચાવ કામગીરી માટે વલસાડ રવાના કરવામાં આવી છે.
ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા રાજ્યના વિવિધ વિભાગો એલર્ટ મોડ પર આવી ગયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા ફાયર વિભાગની પ્રશિક્ષિત ટીમને જરૂરી બચાવ સાધનો સાથે વલસાડ મોકલવામાં આવી છે.
ટીમ સાથે રેસ્ક્યૂ બોટ, લાઇફ જેકેટ, રેસ્ક્યૂ રોપ સહિત જરૂરી બચાવ સામગ્રી પણ રવાના કરવામાં આવી છે, જેથી જરૂરિયાત પડ્યે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય. વલસાડ પહોંચ્યા બાદ ટીમ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગ સાથે સંકલન કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરશે.
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ ઇમરજન્સી એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે, જેથી જરૂરિયાતમંદ લોકોને સમયસર મદદ પહોંચાડી શકાય અને કોઈપણ આપત્તિજનક સ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ