
જામનગર, 23 જુલાઈ (હિ.સ.) :જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાંથી સિટી 'બી' ડિવિઝન પોલીસે એક ક્રેટા કારમાંથી રૂ. 6,15,200નો વિદેશી દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે.
પોલીસની વિગતો મુજબ, તા. 21-07-2026ના રોજ ગુલાબનગર રાજપાર્ક સેવાસદનની પાછળ આવેલા ઓમ રેસિડન્સી સામે પાર્ક કરાયેલી સફેદ રંગની ક્રેટા કાર (રજિ. નં. જી.જે.10.ડીએન.1626) પર દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 118 બોટલ, કિંમત રૂ. 1,15,200 તથા ક્રેટા કાર કિંમત રૂ. 5 લાખ મળી કુલ રૂ. 6,15,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજુભાઈ હાસાનંદ પરસરામાણી, રહે. ઓમ રેસિડન્સી, ગુલાબનગર, જામનગરની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 116(બી) અને 98(2) હેઠળ ગુનો નોંધી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. રાજ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt