વેરાવળ ખાતે વિચરતી વિમુક્ત સમુદાયની એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ
ગીર સોમનાથ, 23 જુલાઈ (હિ.સ.) : વેરાવળ ખાતે વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરતભાઈ પટણીની અધ્યક્ષતામાં વિચરતા અને વિમુક્ત સમુદાયોની સમસ્યાઓ, પડકારો, તકો અને વિકાસ વિશે એકદિવસીય ચિંતન શિબિર યોજાઈ હતી. વેરાવળના રાજેન્દ્રભૂવ
વેરાવળ ખાતે વિચરતી વિમુક્ત સમુદાયની એક દિવસીય ચિંતન શિબિર


ગીર સોમનાથ, 23 જુલાઈ (હિ.સ.) : વેરાવળ ખાતે વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરતભાઈ પટણીની અધ્યક્ષતામાં વિચરતા અને વિમુક્ત સમુદાયોની સમસ્યાઓ, પડકારો, તકો અને વિકાસ વિશે એકદિવસીય ચિંતન શિબિર યોજાઈ હતી.

વેરાવળના રાજેન્દ્રભૂવન સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ એક દિવસીય ચિંતન શિબિરમાં જિલ્લાના છેવાડાના માનવી સુધી વિવિધ સરકારી યોજનાના લાભ પહોંચાડવા સહિત શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ચિંતન શિબિરના અધ્યક્ષ ભરતભાઈ પટણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, છેવાડાનો માનવી પણ મુખ્યધારામાં આવે તો જ વિકસિત સમાજનું યોગ્ય રીતે નિર્માણ થઈ શકે છે. પરસ્પરના સહકાર થી સશક્ત સમાજનું નિર્માણ અને સશક્ત સમાજ થકી વિકાસની વિભાવના સાકાર થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘દરિદ્રનારાયણ દેવો ભવ:’નૂ સૂત્ર લક્ષ્યમાં રાખી અને છેવાડાના માનવી માટેની નાગરિકહિતલક્ષી યોજનાઓ કાર્યરત છે. જેનો તમામે અચૂક લાભ લેવો જોઈએ.

તેમણે શક્તિશાળી સમાજ, જ્ઞાનસભર સમાજ અને ધનવાન સમાજની વિભાવના જણાવતા શિક્ષણ અને બચતનું મહત્વ સમજાવી વ્યસનથી દૂર રહેવા અને ‘હર હાથ કો કામ, હર હાથ કો દામ’ થકી રોજગારી, સ્ત્રી સશક્તિકરણ થકી ફંડ ઉપલબ્ધ કરાવવું, સ્વબચતના પાઠ શીખવા, સેલ્ફ હેલ્પ ગ્રુપનું સહકારી મંડળીમાં રુપાંતરણ થકી વંચિતોનો મુખ્યધારામાં સમાવેશ કરવા સહિયારા પ્રયત્ન કરવા પર ભાર મૂક્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં સમુદાયના વિકાસ માટે થયેલા પ્રયત્નોનો ચિતાર રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે, કોડિનાર તાલુકામાં પ્લોટ ફાળવણી પૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં જ પાત્રતા ધરાવતા લાભાર્થીને મકાન બનાવવા માટે રુ. ૧,૭૦,૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે.

વધુમાં, અધ્યક્ષશ્રીએ વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ માટે બોર્ડની રચના, તેના કાર્યો, પોલિસીની ભૂમિકા, નીતિ નિર્ધારણમાં મહત્વ સહિતની કાર્યપદ્ધતિ વિશે ઉપસ્થિત સર્વેને અવગત કર્યા હતાં.

વિકસતિ જાતી નાયબ નિયામક આર.એન.બારિયાએ વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ માટે કાર્યરત પંડિત દિનદયાળ આવાસ યોજના, કુંવરબાઈનું મામેરુ, સાત ફેરા સમૂહ લગ્ન, શૈક્ષણિક ક્ષેત્રમાં સરસ્વતી સાધના, સમરસ હોસ્ટેલ, અભ્યાસ અને વ્યાપાર માટે લોન સહાય સહિતની વિવિધ યોજનાઓ વિશે સમજૂતી આપી અને વધુને વધુ લાભ લેવા અપીલ કરી હતી.

આ ચિંતન શિબિરમાં ટેક્નિકલ નિષ્ણાંત ડૉ. રિશિ ભટનાગર, વિચરતી અને વિમુક્ત સમુદાયોના પ્રમુખ-ઉપપ્રમુખ, આગેવાનો, સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનિયર્સ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande