
ગીર સોમનાથ, 23 જુલાઈ (હિ.સ.) મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પુરસ્કૃત ‘બેટી બચાવો બેટી પઢાવો યોજના’ અંતર્ગત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ’કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
કલેકટરએ પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, પરિસ્થિતિ કંઈપણ હોય પરંતુ પરંતુ સખત પરિશ્રમ વગર સારુ પરિણામ શક્ય નથી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સમયે આવનારા પડકારો માટે તૈયાર રહેવું જોઈએ. રિડિંગ અને રિવિઝન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સૌ પ્રથમ આપણી નબળાઈ શોધી અને એ નબળા પાસાને સબળું બનાવવા પર વધારે ધ્યાન આપવું જોઈએ. જેથી તૈયારી સારી રીતે કરી શકાય.
આ સાથે જ કલેક્ટરએ વિદ્યાર્થીનીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, આ તૈયારીને અનુલક્ષીને આવતા પડકારો અને લક્ષ્ય સિદ્ધ કરવા સુદ્રઢ આયોજન સહિતના મુદ્દે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સાથે જ નિષ્ઠાવાન અને જવાબદાર અધિકારી બની શ્રેષ્ઠ ભારતનું ઘડતર કરવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વનારકા દ્વારા પોલીસ ભરતી પરીક્ષાની લેખિત તૈયારી અને મેદાન પર શારીરિક યોગ્યતા બાબતની પરીક્ષા આપતા સમયે કઈ પ્રકારની તૈયારીઓ અને મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ તે અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ તેમજ પાલક માતા-પિતા યોજનાના લાભાર્થીને એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીનીઓને જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના અંતર્ગત મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અજય શામળા, જિલ્લા મહિલા બાળ અધિકારી એમ.જી.વારસૂર, દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબહેન રાઠોડ અને કર્મચારીઓ તેમજ વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ