
ગીર સોમનાથ, 23 જુલાઈ (હિ.સ.)
‘સોમનાથ સ્વાભિમાન પર્વ: અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ’ અંતર્ગત વિશેષ ટ્રેનના માધ્યમથી બિહારથી સોમનાથ પધારેલા ૧૧૦૦ થી વધુ યાત્રાળુઓએ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં.
સૌ પ્રથમ મંદિરમાં શ્રદ્ધાળુઓને સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને પ્રસાદ ભેટ અર્પણ કરી આવકારવામાં આવ્યાં હતાં. ત્યારબાદ, શ્રદ્ધાળુઓએ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી.
દર્શન કર્યા બાદ મંદિર પરિસરમાં પરંપરાગત જીજીયા લોકનૃત્ય પ્રસ્તુત કરી શ્રદ્ધાળુઓએ સારી વર્ષાઋતુની કામના કરી હતી. સુમધુર લોકગીતો સાથે પોતાના માથા પર માટીનો ઘડો મૂકી અને અદભૂત સંતુલન દર્શાવી નૃત્ય કરતા શ્રદ્ધાળુઓથી સમગ્ર પરિસર ભક્તિના રંગે રંગાયું હતું.
ઉલ્લેખનીય છે કે, બિહાર અને મિથિલા વિસ્તારમાં દુર્ગા પૂજાના તહેવાર દરમિયાન જીજીયા નૃત્ય કરવામાં આવે છે. જીજીયા નૃત્ય દુર્ગામાતાને પ્રસન્ન કરવા તેમજ સારા વરસાદ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાનું માધ્યમ બને છે.
શ્રદ્ધાળુઓના આગમન સમયે વહીવટી તંત્ર દ્વારા રેલવે સ્ટેશન પર પરંપરાગત ઢબે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ સોમનાથ મંદિર ઉપરાંત આસપાસના આદ્યાત્મિક અને પૌરાણિક સ્થળોની પણ મુલાકાત લીધી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ