
મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના મોઢેરા અને થોળ ગામમાં અમલમાં રહેલા ગ્રે વોટર મેનેજમેન્ટ પ્લાનની સમીક્ષા કરવા સ્ટેટ યુનિસેફ ટીમે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ટીમે બંને ગામોમાં વરસાદી અને ઘરગથ્થુ વપરાશ બાદ નીકળતા ગ્રે વોટરના વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આ દરમિયાન સંબંધિત અધિકારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હાલની કામગીરી, તેના પરિણામો તેમજ આગામી તબક્કાના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ગ્રે વોટરના અસરકારક સંચાલન દ્વારા સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને પાણીના પુનઃઉપયોગને વધુ પ્રોત્સાહન મળે તે દિશામાં વિવિધ સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
યુનિસેફ ટીમે આગામી આયોજનને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાતથી ગ્રામ્ય વિસ્તારોમાં ટકાઉ જળ વ્યવસ્થાપન અને સ્વચ્છતા સંબંધિત કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે સહયોગ અને આયોજનને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR