
ગાંધીનગર, 23 જુલાઈ (હિ.સ.) : દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં છેલ્લા 24 કલાક દરમિયાન અંદાજે 36 ઇંચ વરસાદ નોંધાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, મોંઘી કારો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને ફસાયેલા લોકોને બોટ દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
હવામાન વિભાગ અને જિલ્લા તંત્રના જણાવ્યા મુજબ જિલ્લામાં સૌથી વધુ ઉમરગામમાં 35.67 ઇંચ, કપરાડામાં 29 ઇંચ, નાનાપોઢામાં 25.31 ઇંચ અને ધરમપુરમાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં માત્ર રાત્રે 1થી સવારે 6 વાગ્યા દરમિયાન 17.44 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન વધુ સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ
હવામાન વિભાગે 23 જુલાઈએ મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
સુરતમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ, 2,244 લોકોનું સ્થળાંતર
સુરત શહેરમાં સવારે 4થી 8 વાગ્યા દરમિયાન ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભેદવાડ અને સીમાડા ખાડીઓ ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે, જ્યારે અન્ય ખાડીઓ પણ ઉફાન પર છે. સાવચેતીના ભાગરૂપે તંત્રએ ખાડી કિનારે રહેતા 2,244 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કર્યા છે.
રાજ્યમાં સિઝનનો 31 ટકા વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોમાસાની 31 ટકા વરસાદી સિઝન પૂર્ણ થઈ છે. રાજ્યના 206 જળાશયોમાં 41 ટકા જળસંગ્રહ નોંધાયો છે, જ્યારે સરદાર સરોવર (નર્મદા) ડેમમાં 68 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ 50 ટકા, જ્યારે કચ્છમાં સૌથી ઓછો 3.50 ટકા વરસાદ નોંધાયો છે.
ઔરંગા નદી ભયજનક સપાટીએ, 200થી વધુ લોકોનું સ્થળાંતર
વલસાડ જિલ્લામાં સતત વરસાદને કારણે ઔરંગા નદીનું જળસ્તર 9 મીટરની ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. મોડી રાત્રે તંત્રએ 200થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. બીજી તરફ તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે વ્યારા-ઉનાઈ નેશનલ હાઇવે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
24 જુલાઈએ પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ તથા દાદરા-નગર હવેલીમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
25 જુલાઈએ સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનગર, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદનું અનુમાન છે. 26 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે તેમજ વાવ-થરાદ, મહેસાણા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા તેમજ ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ ચેતવણી આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે