


પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.)પોરબંદર અને વેરાવળના માછીમાર એસોસિએશનો તથા WWF-India વચ્ચે દરિયાઈ જૈવવિવિધતાના સંરક્ષણ, ટકાઉ મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન અને માછીમારોની લાંબા ગાળાની આજીવિકા સુરક્ષિત બનાવવા માટે ઐતિહાસિક ભાગીદારી કરાર કરવામાં આવ્યો છે. આ સહયોગ હેઠળ પોરબંદર માછીમાર બોટ એસોસિએશન અને ભીડીયા કોળી સંયુક્ત માછીમાર બોટ એસોસિએશન, વેરાવળ જોડાયા છે. ભાગીદારી અંતર્ગત વૈજ્ઞાનિક સંશોધન સાથે માછીમારોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરીને સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ સંરક્ષણ અને જવાબદાર મત્સ્ય વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે જ દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણની સાથે માછીમારોની આવક અને ઉત્પાદન ક્ષમતા વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવશે. પોરબંદર અને વેરાવળ ખાતે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિશરીઝ ટેક્નોલોજી (CIFT)ના સહયોગથી બાયકેચ ઘટાડવા તથા ટર્ટલ એક્સક્લૂડર ડિવાઇસ (TED)ના ઉપયોગ અંગે તાલીમ અને જીવંત પ્રદર્શન યોજાયું હતું. CIFTના વૈજ્ઞાનિક ડૉ. રાજેન્દ્ર નાયકે TEDની કાર્યપદ્ધતિ અને દરિયાઈ કાચબાના સંરક્ષણમાં તેની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. WWF-Indiaના ડૉ. પ્રવીણ કુમારે ભાગીદારીના હેતુઓ અંગે માહિતી આપી હતી, જ્યારે ગુજરાત હેડ ધવલ જુંગીએ રાજ્યમાં દરિયાઈ જૈવવિવિધતા સંરક્ષણ અને વૈજ્ઞાનિક ટેક્નોલોજી આધારિત પહેલોની વિગતો રજૂ કરી હતી. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મત્સ્ય વિભાગના અધિકારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર ખાતે યોજાયેલા વર્કશોપને ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગે સત્તાવાર માન્યતા આપી હતી. સમાપન પ્રસંગે પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ આ પહેલને મત્સ્યોદ્યોગના ઇતિહાસમાં મહત્વપૂર્ણ ગણાવી WWFIndia અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ભાગીદારી ભવિષ્યની પેઢીઓ માટે દરિયાઈ સંરક્ષણ અને માછીમારોની આજીવિકા સુરક્ષિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya