
ભાવનગર,23 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલે જાહેરનામું બહાર પાડી આવતીકાલે તા. 24 જુલાઈ, 2026ના રોજ જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણયનો હેતુ ભારે વરસાદની સંભાવનાને કારણે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે જોખમનો સામનો કરવો ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે. જોકે, શાળા-કોલેજોના આચાર્યો, શિક્ષકો તથા અન્ય કર્મચારીઓએ નિયમિત સમયસર પોતાની સંસ્થામાં હાજર રહી જરૂરી વહીવટી કામગીરી અને અન્ય આવશ્યક કામગીરી ચાલુ રાખવાની રહેશે.
જિલ્લા કલેક્ટરે વાલીઓ અને નાગરિકોને અપીલ કરી છે કે હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને બાળકોને અનાવશ્યક બહાર મોકલવાનું ટાળે તેમજ નદી, તળાવ, ચેકડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક જવાથી દૂર રાખે. સાથે જ હવામાન વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે શૈક્ષણિક કાર્ય સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત થઈ શકે. જિલ્લા તંત્રે નાગરિકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા પણ અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA