
મહેસાણા , 23 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના બહુચરાજી વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે બહુચરાજી કૃષિ ઉપજ બજાર સમિતિ (APMC)ના પરિસરમાં પાણી ભરાઈ જતાં વેપારીઓ અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બજારમાં રાખવામાં આવેલી કૃષિ ઉપજ પાણીમાં પલળી જતાં મોટા પ્રમાણમાં માલને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
ભારે વરસાદ બાદ બજાર યાર્ડના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ખુલ્લામાં પડેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે અનાજ સહિતની કૃષિ ઉપજની ગુણવત્તા પર અસર પડી છે. અચાનક સર્જાયેલી સ્થિતિને કારણે વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.
પાણી ભરાવાની ઘટનાને પગલે વેપારીઓએ બજારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે ભારે મહેનત બાદ તૈયાર થયેલા પાકને વરસાદના કારણે નુકસાન થતાં આર્થિક ફટકો પડ્યો છે.
સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પાણીના નિકાલ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR