
કચ્છ, 23 જુલાઈ (હિ.સ.) : ભુજ નજીક ગેરકાયદે પશુ કતલખાનાનો પર્દાફાશ: સુમરાસરમાં એલસીબીનો દરોડો, એક આરોપીને વાહન અને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી પોલીસની ઝુંબેશ હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને વધુ એક નોંધપાત્ર સફળતા મળી છે. માધાપર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સુમરાસર (શેખ) ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદે રીતે ચલાવવામાં આવી રહેલા પશુ કતલખાનાનો પર્દાફાશ કરીને પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન પશુમાંસનો જથ્થો, કતલ માટે ઉપયોગમાં લેવાતા સાધનો, વાહન તેમજ અન્ય સામગ્રી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે સુમરાસર (શેખ) ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી આશરે 40 કિલોગ્રામ પશુમાંસ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 2 હજાર હોવાનું જણાવાયું છે. ઉપરાંત બે પ્લાસ્ટિકની બરણીઓ, લાકડાના હાથાવાળી કુહાડી, બે ધારદાર છરી, વજન કાંટો અને વજનિયા પણ કબજે કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી એક કાર તેમજ બે મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. 1.03 લાખ જેટલી હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ કાર્યવાહીમાં પોલીસે આદમ અલીમામદ કુંભાર (ઉંમર 45), રહે. સુમરાસર (શેખ), તા. ભુજની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી ગેરકાયદે પશુ કતલખાનું ચલાવતો હોવાની માહિતી સામે આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. સમગ્ર મામલે સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં અને માંસનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવતો હતો તે દિશામાં પણ તપાસ આગળ વધારી રહી છે.
આ સફળ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ પંકજકુમાર કુસ્વાહ અને અનિરૂદ્ધસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેમની સાથે હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ, નવીનકુમાર જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગેરકાયદે કતલખાનાં અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે આવનારા સમયમાં પણ સઘન દેખરેખ અને કડક કાર્યવાહી યથાવત રાખવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. પોલીસની આ કામગીરીથી કાયદાનો ભંગ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તંત્રની પ્રતિબદ્ધતા વધુ એક વખત ઉજાગર થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar