

છોટાઉદેપુર, 23 જુલાઈ (હિ.સ.) : સ્થાનિક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વન્યજીવોની અવરજવરને કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને ઘુટણવડની નવી વસાહત વિસ્તારમાં દીપડાના સતત આંટાફેરાથી સ્થાનિક રહીશો રાતના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા. આ ભયજનક પરિસ્થિતિ વચ્ચે વસાહતના રહીશ પ્રવીણભાઈ અમરસિંહ રાઠવાના ઘર અને પશુધનની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું હતું. દીપડો અવારનવાર રહેણાંક વિસ્તારની નજીક આવી ચડતો હોવાથી સ્થાનિક લોકોએ વન વિભાગને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી.
ગ્રામજનોની રજૂઆત અને સુરક્ષાની ગંભીરતાને ધ્યાને રાખીને વન વિભાગની સ્થાનિક ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. દીપડાને પકડવા માટે પ્રવીણભાઈ રાઠવાના ઘરની નજીક જ વન વિભાગ દ્વારા એક મજબૂત પાંજું ગોઠવવામાં આવ્યું હતું. દીપડાને પાંજરા તરફ આકર્ષવા માટે વનકર્મીઓ દ્વારા વ્યૂહાત્મક રીતે અંદર એક મારણ (શિકાર) પણ મૂકવામાં આવ્યું હતું. આ યોજના સફળ રહી હતી અને તારીખ ૨૩ જુલાઈ ૨૦૨૬ની વહેલી સવારે મારણની લાલચે દીપડો પાંજરાની અંદર પ્રવેશતા જ ફસાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાયાના સમાચાર સવારના સમયે વાયુવેગે સમગ્ર વસાહતમાં પ્રસર્યા હતા. દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને વન વિભાગની ત્વરિત કામગીરીનો આભાર માન્યો હતો.દીપડો પકડાઈ જતાં પ્રવીણભાઈ રાઠવાના પરિવાર સહિત સમગ્ર ઘુટણવડ નવી વસાહતના લોકોએ આખરે મોટી રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા પાંજરામાં કેદ થયેલા દીપડાનું પ્રાથમિક સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તે તંદુરસ્ત હોવાનું માલૂમ પડ્યું છે. ત્યારબાદ વન વિભાગની વિશેષ ટીમ દ્વારા આ દીપડાને સુરક્ષિત પાંજરા સાથે જબુગામ વન્યજીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.
વન અધિકારીઓના જણાવ્યા મુજબ, દીપડાને રેસ્ક્યુ સેન્ટર ખાતે નિરીક્ષણમાં રાખ્યા બાદ વરિષ્ઠ અધિકારીઓની મંજૂરીથી તેને તેના કુદરતી રહેઠાણ એટલે કે ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. વન વિભાગે સ્થાનિક લોકોને અપીલ કરી છે કે ભવિષ્યમાં પણ જો કોઈ વન્યજીવ દેખાય તો સ્વયં કોઈ પગલાં લેવાના બદલે તુરંત વન વિભાગનો સંપર્ક કરવો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ