
વડોદરા , 23 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેર પોલીસની પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ દરમિયાન પી.સી.બી.ને વધુ એક સફળતા મળી છે. હાલોલ તરફથી ઓટોરિક્ષામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને વડોદરા આવી રહેલા એક શખ્સને પોલીસે ગોલ્ડન ટોલ નાકા નજીક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમારના માર્ગદર્શન હેઠળ શહેરમાં પ્રોહિબિશન અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
તે અંતર્ગત પીસીબી (Police Control Branch)ને બાતમી મળી હતી કે GJ-06-AY-7690 નંબરની ઓટોરિક્ષામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી એક વ્યક્તિ હાલોલ તરફથી વડોદરા આવી રહ્યો છે.
બાતમીના આધારે પી.સી.બી.ની ટીમે ગોલ્ડન ટોલ નાકા નજીક વોચ ગોઠવી શંકાસ્પદ ઓટોરિક્ષાને અટકાવી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ઓટોરિક્ષામાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે આરોપીને સ્થળ પરથી જ ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ પુનમ ઉર્ફે પુનીયો રાજુભાઈ ઠાકોર, રહે. ખંડીવાળા ગામ, જરોદ રોડ, વાઘોડિયા તરીકે થઈ છે.
પોલીસે આરોપી સામે હરણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી દારૂનો જથ્થો અને ઓટોરિક્ષા કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ