
જામનગર, 23 જુલાઈ (હિ.સ.) : સૌરાષ્ટ્રના કદાવર ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જામનગર શહેરના આંગણે એક ભવ્ય અને ઐતિહાસિક સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. મધર્સ ફાઉન્ડેશન ટ્રસ્ટ, જામનગર દ્વારા આગામી શુક્રવાર, તારીખ 24-07-2026ના રોજ રણજીત સાગર રોડ પર આવેલ મારૂ કંસારા હોલ ખાતે એક 'મહા રક્તદાન કેમ્પ' યોજાવા જઈ રહ્યો છે.
સવારે 7:00 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી ચાલનારા આ મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અનોખી પહેલ કરવામાં આવી છે. માનવ સેવાના આ મહાયજ્ઞમાં રક્તદાન થકી જીવનદાન આપનાર રક્તદાતાઓ માટે લાખો રૂપિયાના આકર્ષક ઇનામો સાથેના લક્કી ડ્રોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ રક્તદાન કેમ્પનું મુખ્ય આકર્ષણ તેમાં રખાયેલ 'લકી ડ્રો' છે, જે યુવાનો અને રક્તદાતાઓમાં ભારે ઉત્સાહ જગાવી રહ્યો છે. આયોજકો દ્વારા જાહેર કરાયેલી નિયમાવલી અનુસાર, પ્રત્યેક રક્તદાતાને રક્તદાન કર્યા બાદ એક વિશેષ કૂપન આપવામાં આવશે. આ કૂપનનો એક હિસ્સો રક્તદાતાને અપાશે જ્યારે બીજો હિસ્સો લકી ડ્રોના બોક્સમાં સુરક્ષિત રાખવામાં આવશે.
સાંજે 7:00 વાગ્યે રક્તદાન કેમ્પ પૂર્ણ થયા બાદ તુરંત જ સ્થળ પર જ પારદર્શક રીતે લકી ડ્રો યોજાશે, જેમાં કુલ 11 ભાગ્યશાળી રક્તદાતાઓને સ્થળ પર જ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવશે. આ ઇનામોમાં પ્રથમ 10 વિજેતાઓને સ્માર્ટ અને અત્યાધુનિક 'સેમસંગ એ 17 (ફાઈવ-જી)' સ્માર્ટફોન આપવામાં આવશે, જ્યારે ૧૧માં ભાગ્યશાળી રક્તદાતાને બમ્પર ઇનામ સ્વરૂપે 'હોન્ડા એક્ટિવા' સ્કૂટર અર્પણ કરવામાં આવશે.
મધર્સ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવા અને મેડિકલ ક્ષેત્રે રક્તની અછતને દૂર કરવાના ઉમદા હેતુથી લેવાયેલું આ પગલું ખરેખર પ્રશંસનીય છે. આયોજકો દ્વારા જામનગરની જનતાને આ પવિત્ર કાર્યમાં મોટા પ્રમાણમાં જોડાઈને રક્તદાન કરવા અને સાથે જ આકર્ષક ઇનામો જીતવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સેવાકીય મહોત્સવને સફળ બનાવવા માટે સંસ્થા દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રક્તદાન એ જ મહાદાન'ની ભાવનાને સાર્થક કરતો આ કેમ્પ જામનગરના સેવાકીય ઇતિહાસમાં એક નવું સીમાચિહ્ન પ્રસ્થાપિત કરશે તે નિશ્ચિત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt