
જામનગર, 23 જુલાઈ (હિ.સ.) :
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ બનેલું રહે છે, પરંતુ મેઘરાજા હાથ તાળી આપીને ચાલ્યા જાય છે, અને જામનગર જિલ્લાની જનતા કાગના ડોળે મેઘરાજાની રાહ જોઈ રહી છે. એકમાત્ર જામજોધપુરમાં મેઘરાજા મહેરબાન થયા છે, અને છેલ્લા 24 કલાક દરમિયાન જામજોધપુર પંથકમાં વધુ 25 મીમી વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લામાં મેઘરાજાએ છૂટાછવાયા વિસ્તારોમાં હાજરી નોંધાવી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સૌથી વધુ જામજોધપુર તાલુકામાં 25 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જોડિયા તાલુકામાં ૫ મીમી વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકાઓમાં વરસાદ નોંધાયો ન હતો અથવા ખૂબ જ સામાન્ય વરસાદ વરસ્યો હતો.
ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયેલા વરસાદ મુજબ વાંસજાળીયા (12 મીમી), પરડવા (8 મીમી), જામવાડી (6 મીમી), સમાણા (5 મીમી), ભણગોર (4 મીમી), મોટા વડાળા (3 મીમી), ઘુનડા (2 મીમી) તથા પડાણા (1 મીમી) વરસાદ નોંધાયો હતો. અન્ય તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ નોંધાયો નહોતો.
જિલ્લામાં હવામાન ભેજયુક્ત રહ્યું હતું. બાજરા સંશોધન કેન્દ્ર, જામનગરના આંકડા મુજબ મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી સેલ્સિયસ, હવામાં ભેજનું પ્રમાણ 82 ટકા અને પવનની સરેરાશ ગતિ 14.5 કિ.મી. પ્રતિ કલાક નોંધાઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt